સ્વાસ્થ્યવર્ધક ગુણોથી ભરપુર જાંબુ

જાંબુ એક ઉમદા ફળ છે, તેને પાકવા માટે ગ્રીષ્મનો તાપ અને વર્ષના અમીછાંટણાં જોઈએ. ગ્રીષ્મ ઋતુ ઊતરતાં અને વરસાદની શરૂઆત થતાં પાકવા માંડે છે. ગ્રીષ્મઋતુનું અમૃતફળ કેરી છે તેમ વર્ષાઋતુનું અમૃતફળ જાંબુ છે. જાંબુને રસાળ ભૂમિ વધુ માફક આવે છે. કિનારાવાળા પ્રદેશોમાં એ પુષ્કળ થાય છે. ભારતમાં જાંબુ સર્વત્ર થાય છે.

જાંબુના વૃક્ષ ઉપર ફેબ્રુઆરીથી એપ્રિલ માસમાં મધુર વાસવાળાં સફેદ ફૂલ બેસે છે. ફૂલો ઝૂમખાનાં રૂપમાં ગોઠવાયેલા હોય છે. ઝૂમખાં દાંડી પર લાગેલાં હોવાથી અસંખ્ય પુંકેસર બહાર પડતાં હોઈ તરત નજર ખેંચે છે.

વર્ષાઋતુનું ખાસ ફળ એટલે જાંબુ. ભારતભરમાં ઘરે ઘરે આગમન થઈ ગયું છે. દેખાવે જાંબુડી-કાળું પણ આ ફળ ખૂબ જ ગુણકારી અને વિરિષ્ટ ફળની યાદીમાં મૂકી શકાય. જાંબુની ખાસિયત અનેક છે. આપણી સંસ્કૃતિ અને ધર્મગ્રંથોમાં પણ જાંબુનો ઉલ્લેખ થયેલો છે. બાળપણમાં જ્યારે આપણે પહેલી વાર ફળ ખાધું હોય ત્યારે અરીસામાં જોઈને જીભ જાંબુડી થઈ જવાની જોવાની મજા આપણે બધાએ લૂંટી છે.

જાંબુ મૂળવતન એશિયા ખંડનું વૃક્ષ છે. વૈજ્ઞાનિક રીતે સીજીયમ યુમીની નામનું અટપટું નામ ધરાવે છે. હિન્દીમાં જાંબુન, સંસ્કૃતમાં જંબુ કે જાંબુ તરીકે ઓળખાય છે. મધ્યમથી વિશાળ ઘેરાવો ધરાવતું ઊંચું જાંબુનું વૃક્ષ છે.

જાંબુના ઝાડ એંસી ફૂટની આસપાસ ઊંચા થાય છે. તેની છાલનો રંગ ફિક્કો અને ભૂરો હોય છે. તે કંઇક અંશે ખરબચડી હોય છે. તેના પાંદડાં બોરસલીના પાન જેવા જ હોય છે. તે લીસાં, ઉપરની બાજુ ચળકતા, અર્ધા ઈંચથી એક ઈંચ લાંબી દાંડીવાળા, અઢીથી સાત ઈંચ લાંબા અને એકથી બે ઈંચ પહોળા, વચમાં પહોળા અને તળિયે તેમજ ટોચે સાંકડાં અણીદાર ટોચ અને સહેજ કઠણ હોય છે. જાંબુ નાના અને મોટાં એમબે જાતના થાય છે. મોટા જાંબુને ‘રા’ કે ‘રાજ જાંબુ’ અને નાનાં જાંબુને ‘ક્ષુદ્ર જાંબુ’ કહે છે. મોટાં જાંબુ સુંદર દેખાવમાં તેમજ ગુણની દ્રષ્ટિએ શ્રેષ્ઠ ગણાય છે.

જાંબુના રસમાંથી આસવ અને શરબત બને છે. તેનું શરબત પેટની પીડા તથા જૂના ઝાડાને મટાડે છે. બરોડ તથા લિવરના દર્દીમાં જાંબુ અકસીર ગણાય છે. ‘લિવર એક્સટ્રેટ’ જેવા અતિ મોંધા દ્રવ્યો ઈંજેક્ષનો દ્વારા શરીરમાં દાખલ કરવામાં આવે તેને બદલે સસ્તાં જાંબુ ઉપયોગ કરવામાં આવે તો તે વધુ લાભપ્રદ નીવડે તેમ છે. હૃદય માટે જાંબુ હિતકર છે.

જાંબુનું ઝાડનું લાકડું રાતું ભૂરું, ચીકણું, સાધારણ કઠણ અને સાધારણ ટકાઉ હોય છે. આ લાકડું પાણીમાં કોહવાતું નથી. આ લાકડું ઘરના બાંધકામ અને ખેતીના ઓજારો બનાવવામાં વપરાય છે. જાંબુના ઝાડની છાલ કાપડ તેમજ ચામડાં રંગવામાં વપરાય છે. જાંબુ, જાંબુના બી, પાન અને છાલ ઔષધિ તરીકે વપરાય છે. નાના જાંબુ ઝાડાને રોકનાર, રુક્ષ, કફ, પિત્ત, લોહીનો બગાડ કે રક્તપિત્ત તથા દાહને મટાડનાર છે.

યુનાની અને ચાઇનીઝ ઔષધીશાસ્ત્રમાં જાંબુને પાચનતંત્ર માટે ગુણકારી ફળ કહેવાયું છે. જાંબુના કૂણાં પાંદડાં બ્લડપ્રેશરને કંટ્રોલ કરે છે. જાંબુના ઠળિયા, પાંદડાં અને ઝાડની છાલમાં તૂરો રસ મધુપ્રમેહના રોગમાં ખૂબ હિતાવહ છે. તેના ઠળિયાનું ચૂર્ણ તો મધુપ્રમેહના રોગી માટે અમૃત સમાન છે. જાંબુના રસમાંથી સરસ આસવ બનાવી શકાય છે. જાંબુના ઠળિયા, પાન અને ઝાડની છાલનો તૂરો રસ મધુપ્રમેહ પર ખૂબ હિતાવહ છે. જાંબુના કૂણાં પાંદડાં ચાવવાથી મુખશુદ્ધિ તેમજ પેઢા મજબુત બને છે. ઠળિયાનું ચૂર્ણ તો મધુપ્રમેહના રોગી માટે અમૃત સમાન છે. જાંબુના પાંદડાંનો પુટપાક વિધિથી કાઢેલો રસ ઉત્તમ ગ્રાહી છે. તેના ઝાડની છાલ તીક્ષ્ણ, મધુર, પાચક, બાપક અને જંતુનાશક ગણાય છે.

વૈજ્ઞાનિકોના મત પ્રમાણે જાંબુમાં લોહ, ફોસ્ફરસ અને ચૂનો વિપુલ પ્રમાણમાં હોય છે. આ ઉપરાંત ફોલિક એસિડ પણ હોય છે. જાંબુના ઠળિયામાં ગ્લુકોસાઇડ, ફેનિલયુક્ત એલાજિક એસિડ, પીળાશ પડતું સુંગધિત તેલ સારા પ્રમાણમાં મળી આવે છે. જાંબુ મધુપ્રમેહ, પથરી, લિવર, બરોળ અને લોહીની અશુદ્ધિઓ નાશ કરે છે તેમજ પેશાબની શુદ્ધિકરેછે.

જાંબુનું પોષણમૂલ્ય ખુબ જ ઊંચું છે. જાંબુમાંથી વિટામિન એ, બી, સી અને બીજા ખનિજક્ષારો મળી આવે છે. દર ૧૦૦ ગ્રામમાંથી ૧૪ ગ્રામ જેટલી માત્રામાં કાર્બોદિત મળે છે. ૦.૬ ગ્રામ જેટલા રેષા હોય છે પણ આ વૈષમાં સોલ્યુબલ ફાઇબર્સરૂપે હોવાથી વધુ ગુણકારી છે. ૦.૨ ગ્રામ જેટલી અલ્પ માત્રામાં ચરબી અને ૮૪% જેટલું પાણી જાંબુનું ફળ ધરાવે છે. દર ૧૦૦ ગ્રામે સરેરાશ ૧૧-૧૨ મિલિગ્રામ કેલ્શિયમ મળે છે. ૧.૫ મિલિગ્રામ જેટલું લોહતત્ત્વ હોય છે. જાંબુના પાંદડાંમાં અંદાજિત ૪% જેટલી ચરબી અને ૯% જેટલું પ્રોટીન હોય છે. જાંબુના વૃક્ષના પાંદાડાં પશુઓ માટે ઔષધીય અને પોષક ચારો છે.

જાંબુમાં રહેલા અમ્લત્વ(ઍસિડ)ના તત્ત્વો મૂત્રાશયમાં જમા થયેલી પથરીને ઓગાળી નાખે છે. જાંબુના ઠળિયા પાચક અને સ્તંભક છે. મધુપ્રમેહમાં યકૃતની ક્રિયા બગડે છે ત્યારે તેને સુધારવા માટે જાંબુના ઠળિયાનું સેવન કરાવવામાં આવે છે. તેનો ઉપયોગ શરીરમાં વધેલું ગ્લુકોઝ કે શર્કરાને પચાવવા માટે થાય છે.

યકૃત બગડવાથી શરીરમાં લોહીવિકાર પેદા થાય છે તેને લીધે કોઈ કોઈ વાર પાંડુરોગ કે કમળો પણ થાય છે. પાંડુરોગ અને કમળામાં લોહતત્ત્વની ખાસ જરૂર પડે છે. જાંબુ પૂરતાં પ્રમાણમાં લોહતત્ત્વ હોવાથી પાંડુ કે કમળાના રોગીઓ માટે જાંબુ ખાવા હિતકારી છે.

જાંબુના કૂણી ડાળીઓ અને છાલ સ્વાદે તૂરા હોય છે તેને વાટીને કે પાવડર બનાવી ખોરાક પાચનમાં મદદ કરે છે અને પેશાબ છૂટથી આવે છે. જે લોકોને પેશાબ અટકી અટકીને આવતો હોય અથવા પેશાબનો ભરાવો થતો હોય એમને જાંબુનું સેવન કરવાથી આ સમસ્યા દૂર કરવામાં મદદ કરે છે. જે લોકોને મુખ, ગળા અને પેઢાંના રોગ હોય તેમાં કૂણાં પાંદડાં ચાવવાથી તેમજ ઝાડની છાલ સૂકવીને પાવડરના ઉપયોગથી રાહત મળે છે. ઉધરસ, ગળામાં છાલાં કે દમ જેવી તકલીફ હોય તેમને પણ જાંબુ તેમજ ઝાડની છાલ રાહત આપે છે. મોંમા રહેલા બેકટેરિયાને કુદરતી રીતે દૂર કરવા માટે લીમડાનું કે બાવળનું દાતણ કરવામાં આવે છે તે જ રીતે જાંબની ડાળીનું દાતણ પણ એક ઉત્તમ છે. જાંબુના દાતણથી મોં, દાંત અને પેઢામાં રહેલી ચીકાશ દૂર કર છે ને મોંની ખરાબ દુર્ગંધ દૂર થાય છે અને દાંત, પેઢા મજબૂત બને છે.

જાંબુમાં કુદરતી ફળશર્કરા હોવાથી જેને પચાવવા માટે ઇન્સ્યુલિનની જરૂર પડતી નથી. ડાયાબિટિશના દર્દીઓ છૂટથી ખાઈ શકે છે કારણ કે તેમાં એન્ટિડાયાબિટીક રસાયણ છે. જાંબુ ખાધા પછી રક્તશર્કરા નોંધપાત્ર રીતે ઘટી જાય છે. જાંબુમાં હાઇપોગ્લાયસેમિક ઇફેકટ પણ હોય છે. વર્ષાઋતુમાં મળતાં રહેલા જાંબુના ઠળિયાનો પાવડર કરીને તેનું સેવન આખું વર્ષ ડાયાબિટિશવાળા કરી શકે છે. તેથી જ જાંબુ ખાધા પછી તેના ઠળિયા ફેંકી દેવાની જગ્યાએ તેને સૂકવીને સંગ્રહ કરવો જરૂરી છે. જેથી પથરી, ડાયાબિટીશના દર્દીઓ જાંબુના ઠળિયાનો પલ્પ બનાવીને આખું વર્ષ લઈ શકે છે. જાંબુના ફળોને આથવીને તેમાંથી વીનેગર અને વાઇન જેવા આલ્કોહોલીક પીણાં પણ બનાવે છે. આલ્કોહોલીક પીણાં પણ બનાવે છે.

જાંબુના ઠળિયા બસો ગ્રામ, લીમડાની અને ગળાની છાલ પચાસ ગ્રામ, હળદર પચાસ ગ્રામ અને મરી પચાસ ગ્રામ ખાંડીને વજ્રગાળ કરીને ચૂર્ણ તૈયાર કરવું. જાંબુના રસમાં ખૂબ ઘૂંટી, સૂકવી, શીશામાં ભરી રાખવું. પાથી અર્ધો તોલો આ ચૂર્ણ સવાર સાંજ પાણી સાથે લાંબા સમય સુધી લેવાથી ડાયાબિટીસમાં ચોક્કસ ફાયદો કરે છે.

જાંબુ શરીરની ચામડીને ખૂબસુરત રાખવામાં પણ મદદ કરે છે, રક્તશુદ્ધિ કરે છે. શરીર પર થયેલી ખીલ, ફોડલીઓ જેવી સમસ્યાઓ ઊભી થતી હોય, જે લોકોને એસિડિટી હોય, કબજિયાત કે ગૅસ થતો હોય તેમણે જાંબુ ખાવા જોઈએ. કેમકે જાંબુ કફ અને પિત્ત એમ બંને દોષોનું શમન કરનારું ઉત્તમ ફળ છે. ઉચ્ચ રક્ત દબાણ હોય તેવા લોકોએ જાંબુનું સેવન કરી શકે છે.

Sharing Is Caring:

Leave a Comment