મંગળ પર પાણી

મંગળ પર પાણી : આજે દરેક મહાસત્તાઓ મંગળ પર જવા અંગે વિચાર કરી રહી છે. સૂર્યમંડળમાં પૃથ્વી પછીના આ ગ્રહનું વાતાવરણ કેવું છે, એ અંગેનો અભ્યાસ વિજ્ઞાનીઓ કરી રહ્યા છે. મંગળનો ગ્રહ પૃથ્વી અને શુક્રના ગ્રહ કરતાં કદમાં નાનો છે. આપણી પૃથ્વી કરતાં ત્યાં સૂર્યની ગરમી ઓછી પહોંચે છે; વળી ત્યાં વાતાવરણ પણ છે.

શું મંગળ પર પાણી છે?

મંગળ પોતાની ધરી પર પચીસ કલાકમાં ફરી રહે છે. જ્યારે સૂર્યની ફરતાં એક ચક્કર પૂરું કરવા માટે તેને છસો સત્યાસી દિવસ લાગે છે. મંગળને બે ઉપગ્રહ ફોબોસ અને ડોમિયસ છે. ફોબોસ દિવસમાં ત્રણ વખત મંગળની પ્રદક્ષિણા કરે છે જ્યારે ડોમિયસ ત્રીસ કલાકે એક વખત મંગળનો ફેરો પૂરો કરે છે.

પૃથ્વીની જેમ મંગળની ધરી ત્રાંસી હોવાથી ત્યાં પણ ઋતુ બદલાય છે. તાપમાનની દૃષ્ટિએ વાત કરીએ તો ત્યાં ધ્રુવ પ્રદેશમાં શૂન્ય અંશ અને વિષુવવૃત્તીય પ્રદેશમાં સિતેર અંશ ફેરનહિટ જેટલું હોય છે.

મંગળ પર પાણી ના મળ્યા પુરાવા?

મંગળના પેટાળમાં ઊથલપાથલ થતી હોવાથી અને ત્યાં પણ પૃથ્વીની જેમ સ્તર એકબીજા પર સરકતા હોવાથી ધરતીકંપ થતા રહે છે. દરરોજ રાત્રે મંગળની જમીન હવામાં રહેલો ભેજ એટલે કે પાણી શોષી લે છે. જ્યારે જમીનની સપાટી પર રહેલાં પાણીનું દિવસ દરમિયાન સૂર્યના તાપને લીધે બાષ્પીભવન થઈ જાય છે. આ પાણી ત્યાંના વાતાવરણમાં ભળી જાય છે. રાત્રે ફરી પાછો ભેજ વાતાવરણમાંથી જમીન પરના ક્ષારો ચૂસી લે છે. ભવિષ્યમાં મંગળના ગ્રહ પર જનારા આ અંગેની વિશેષ સજ્જતા સાથે ત્યાં જશે. એમ પણ નક્કી થઈ રહ્યું છે કે અંતરિક્ષયાત્રીઓને માટે પીવાનું પાણી પણ મંગળ પરથી જ મેળવી શકાશે.

વૈજ્ઞાનિકોએ કર્યો મંગળ પર પાણી નો રૂટ મેપ તૈયાર…

ગ્રહોનો અભ્યાસ કરતાં વિજ્ઞાનીઓએ પણ અસંખ્ય નિરીક્ષણો દ્વારા પૂર્તતા થવાથી જાહેર કર્યું છે કે મંગળના ધ્રુવ પ્રદેશોમાં થીજી ગયેલું પાણી છે. ગ્રહના વાતાવરણમાં પણ ભેજનું પ્રમાણ જોવા મળ્યું છે. તાપમાન અને ગ્રહની સપાટી પર વાતાવરણનું દબાણ ઘણું જ ઓછું હોવાને લીધે પ્રવાહી સ્થિતિ પાણી જળાશય સ્વરૂપે પ્રાપ્ત કરવું સહેલું નથી.

બીજી વાત એ છે કે મંગળ જમીન પર ક્ષારનું પ્રમાણ વધારે અને ખાસ કરીને પરકલોરેટ પ્રકારના ક્ષાર હોવાને લીધે પ્રાણીનું ગલનબિંદુ ઘટે છે. ક્ષારવાળી સપાટી તરત જ ઠંડી પડી જાય તે પાણી શોષી લે છે પણ તે પાણીનો સંગ્રહ કરી શકતી નથી.

નાસાએ મંગળના ગ્રહ પર મોકલેલા ફોનિક્સ જે તસવીરો મોકલી છે તેના પરથી જાણી શકાયું છે કે ફોનિકસના એક પગ નીચેથી પ્રવાહી પાણી પસાર થઈ રહ્યું છે. પણ આ કદાચ બરફનો વિસ્તાર હોય. એટલે પ્રવાહી પાણીનો પ્રશ્ન વણઉકેલ્યો રહ્યો હતો.

મંગળ પર પાણી
મંગળ પર પાણી

મંગળ પરનું વાતાવરણ કેવું છે એ જાણવા માટે રોવર એન્વાયરોમૅન્ટલ મોનિટરીંગ સ્ટેશનની મદદથી સ્વીડનમાં કિરૂનામાં આવેલી ‘ફૂલે યુનિવર્સિટી ઑફ ટેક્નોલોજી’ના ઝેવિયર માર્ટિન અને તેના સાથીદારો દ્વારા સમગ્ર વર્ષ દરમિયાન મંગળના વાતાવરણનો અભ્યાસ કર્યો હતો અને ભેજ, હવા તથા જમીનના તાપમાનની નોંધ કરી. આ ચોકસાઈભર્યાં પરિણામોને લીધે વિજ્ઞાનીઓ મંગળ વિશે વધુ આશાવાદી બન્યા છે. આ વિજ્ઞાનીઓએ એ પણ નોંધ કરી કે મંગળ પર શિયાળો હોય ત્યારે સખત ઠંડી તો હોય છે પણ રાત્રિ દરમિયાન ભેજ જમીનના પાંચ સેન્ટિમિટર સુધી તો વળગી જ રહે છે. બીજી ઋતુમાં ભેજ ટકી રહેવાનો સમયગાળો ઓછો હોય છે.

આ સૂચવે છે કે જમીનમાં રહેલા કેલ્શિયમ પરકલોરેટના ક્ષાર વાતાવરણમાંથી પાણી ક્ષારમાં સમાઈ શકે એટલે કે ક્ષારનું દ્રાવણ બની શકે ત્યાં સુધી શોષી લે છે. સૂર્ય આવતાની સાથે જ આ પાણીનું બાષ્પીભવન શરૂ થઈ જાય છે એટલે કે આ પાણી પાછું વાતાવરણમાં જતું રહે છે. મંગળ પર આમ પાણીનું ચક્ર ચાલ્યા કરે છે. આ પાણીનું પ્રમાણ સીધી રીતે જાણી શકાતું નથી. ક્ષારનું દ્રાવણ કઈ પરિસ્થિતિમાં બને છે એ જાણી શકાયું છે પાણીનું પ્રમાણ જાણવા માટે વિદ્યુત વાહકતા માપનારા સાધનોનો સાધનોનો ઉપયોગ કરવો પડે.

વિશ્વના ઘણા વિજ્ઞાનીઓ મંગળનું મંગળ કરવા માટે મથી રહ્યા છે ત્યારે કેલિફોર્નિયાના સેટી ઇન્સ્ટિટયૂટ ઑફ માઉન્ટેન વ્યુ’ના આલ્ફોંજો ડવીલાના જણાવ્યા મુજબ મંગળના ગ્રહની સપાટી પર પાણી છે એ પુરવાર કરવા માટે આટલા નિરીક્ષણો અધૂરાં ગણાય. એક વાત માની શકાય એવી છે કે આ ગ્રહ પહેલા ભીંજાયેલો હશે ત્યારે તાપમાન ઘણું વધારે હશે ને વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધારે રહેતું હશે.

મંગળ પર જીવન

મંગળ પર પાણી હોવાથી જીવન શકય છે એમ કહી શકાય નહિ. જ્યારે અતિશય ઠંડીમાં તાપમાન -૩૦° ડિગ્રી સેન્ટીગ્રેડ જેટલું નીચે જતું રહે ત્યારે પૃથ્વીના સૂક્ષ્મ જીવાણુઓને માટે પણ ત્યાં ઠીંગરાઈ જવું પડે એવી સ્થિતિ ઉત્પન્ન થાય. પૃથ્વીના કોઈપણ સૂક્ષ્મ જીવાણુઓ શૂન્યથી વીસ ડિગ્રી સેન્ટિગ્રેડ કરતાં નીચા તાપમાને પોતાની વંશવૃદ્ધિ કરતા નથી. એટલે પાણી આધારિત જીવોને માટે ત્યાં મોટી મર્યાદા આવી જાય છે. મેસેચ્યુસેટ્સમાં આવેલા બોસ્ટનની ‘ટેકસાસ યુનિવર્સિટી’ના સામ-કૌનાવેસ કે જેને ફોનિક્સ મિશન પર કામ કર્યું છે તેમના જણાવ્યા અનુસાર જો પાણી અને તાપમાનની પરિસ્થિતિ થોડી વધારે અનુકૂળ હોય તોપણ ત્યાંની સપાટી પરનાં બીજા પરિબળો જેવાં કિરણોત્સર્ગ અને ઑક્સિડન્ટ પદાર્થોને લીધે કોઈ પણ પ્રકારના જીવ કે કાર્બનિક દ્રવ્યનું ત્યાં રહેવાનું પડકારજનક બની રહે છે.

મંગળ પર જીવન શક્ય છે?

જોકે મંગળ પર રહેલું પાણી બીજી રીતે ઉપયોગી બની રહેશે એવું વિજ્ઞાનીઓ માની રહ્યા છે. માર્ટિન ટોરેસ અત્યારે યુરોપીયન સ્પેસ એજન્સી દ્વારા તૈયાર કરવામાં આવતાં સાધનો પર કામ કરી રહ્યા છે. આ એજન્સી દ્વારા ‘અક્સોમાર્સ’ ૨૦૧૮ની સાલમાં મંગળ પર મોકલવાના છે. નિરીક્ષણોને આધારે પાણી વિષે જે માહિતી મળી છે તેના પરથી વાતાવરણમાંથી અંતરિક્ષયાત્રીઓ માટે પીવાનું પાણી મેળવી શકાય એવા સાધનો ગોઠવી શકાશે એમ માર્ટિન જણાવ્યું છે. અંતરિક્ષયાનની સપાટી પર ક્ષારવાળું ઉપકરણ  લગાવીને કુદરતી પ્રક્રિયાથી જ પાણી મેળવી શકાશે. જો આમાં સફળતા મળે તો અંતરિક્ષયાત્રીઓ માટે વધારે પ્રમાણમાં પાણી મેળવી શકવાની વ્યવસ્થા પણ ગોઠવી શકાશે.

Sharing Is Caring:

Leave a Comment