‘ આર્ય જાતિ ‘ એટલે શું !

‘ આર્ય જાતિ ‘ એટલે શું !

મેક્સમુલરનાં લેખમાં આપણે જોયું કે કઈ રીતે મેક્સમુલર સંસ્કૃત ભાષાનો સ પણ નાં જાણતો હોવા છતાં વેદો જેવા ગૂઢ ગ્રંથોનું ભાષાંતર કરી મહાન બની ગયો કે એમ કહો કે તેને પ્રમોટ કરી તેને મહાન બનાવવામાં આવ્યો ! જોકે આજે તેનાં બધાં કારનામા બહાર આવી રહ્યા છે. જેમાં આજે તેનાં દ્વારા કરવામાં આવેલ ભાષાંતર અને તેનાં લક્ષ્યો વિશે દરરોજ નવા ફણગા ફૂટી રહ્યા છે અને પ્રોદોશ આઇચ , નીરજ અત્રી , વેદવિર આર્ય , અભિજિત ચોપડા જેવા વિદ્વાનો તેની આખી સત્ય કથા આલેખી રહ્યા છે. આજે આપણે ભારતમાં ખૂબ જ પ્રચલિત અને ઇતિહાસ ગ્રંથોમાં ભારતનો ઇતિહાસ શીખતી વખતે શરૂઆતમાં જ આવતી આર્ય જાતિ વિશે વાત કરવાના છીએ. ભારતનો ઇતિહાસ ભારતમાં આર્યો બહારથી આવ્યા ત્યાંથી શરૂ થાય છે. જોકે આર્ય બહારથી આવ્યા પણ ક્યાંથી અને કઈ રીતે આવ્યા ને ભારતમાં આવી તેમણે ભારતને સભ્ય બનાવ્યું જેવા અનેક ઉલ્લેખ ભારતના ઇતિહાસ વિષયક ગ્રંથોમાં કરવામાં આવે છે. પણ હવે જ્યારે સમય ટેકનોલોજીનો છે તો એવા ગ્રંથો અને સંદર્ભ સ્ત્રોત પણ લોકો સામે આવ્યા છે જે પહેલા નોહતા ! જેના થકી જે સત્ય બહાર આવી રહે છે તે ચોંકાવનારા છે ! અંગ્રેજો અને યુરોપીય દેશો દ્વારા કરવામાં આવેલી મનઘડંત કલ્પનાઓ વિશે હવે વિદ્વાનો પ્રશ્નાર્થ લગાવી રહ્યા છે અને તેના કોઈ જવાબ અંગ્રેજો કે યુરોપિય વિદ્વાનો પાસે નથી ! આજે એક એવો જ વિષય લઈ અમે આવ્યા છીએ , જેનું નામ છે – આર્ય જાતિનો આવિષ્કાર કઈ રીતે કરવામાં આવ્યો ?

નામ વાંચી કદાચ ઘણાં બધાં ત્રાંસી આંખ કરી વાંચશે પણ આખો લેખ જરૂર વાંચજો ! કદાચ આંખોની સાથે સાથે દ્રષ્ટિ પણ ખુલી જાય ! તો જે પ્રમાણે લેખનું શીર્ષક છે એ મુજબ આર્ય જાતિનો આવિષ્કાર કરવામાં આવ્યો એ વિશે વાત માંડવાની થાય છે જેની શરૂઆત થાય છે યુરોપમાં અને તેનું રમખાણ મચ્યું ભારતમાં જેનો અંત હજી સુધી આવ્યો નથી !

વાત શરૂ થાય છે જ્યારે યુરોપના ભુરીયા ભારતમાં આવ્યા ત્યારથી ! વાત એમ બની કે જ્યારે ભુરીયા ભારતમાં આવ્યા ત્યારે ભારતની જે ઉન્નતિ હતી તે જોઈ તેઓ ચોંકી ગયા ! યુરોપ તેની સરખામણીએ આદિ માનવની અવસ્થામાં હતું તેમ કહીએ તો ખોટું નહિ ! ભારતને લૂંટી તેને ખતમ કરી ભારતને બનાવનારા જ યુરોપના લોકો છે , ભારત તો જંગલી હતું , યુરોપના લોકો તેને સભ્ય બનાવ્યું અને આખી ભારતની સંસ્કૃતિ વિકસિત કરનારા જ યુરોપના લોકો છે એવું સાબિત કરવા યુરોપના લોકોએ જે આયોજન રચ્યું એ ખરેખર લુચ્ચાઈ અને દગાખોરી ની પરાકાષ્ટા છે ! જેમાં એક પછી એક કહેવાતા વિદ્વાનોએ ભારતની ખામીઓ કાઢી , જ્યાં ખામીઓ નોહતી ત્યાં પેદા કરી તેને વિકસિત કરી એક આયોજન પૂર્વક ષડયંત્ર રચ્યું.  જેમાંથી આજે પણ દુનિયા બહાર આવી શકી નથી ! ભારતમાં જ્યાં આ ભુરીયા લોકો આવ્યા ત્યારે એમણે જોયું કે અહીંની દરેક વ્યવસ્થા માનવ જીવનની સર્વ શ્રેષ્ઠ વ્યવસ્થા છે ! તો તેને લૂંટવા માટે પહેલા તેને તોડવી પડે તો એ માટે આ લોકોએ જબરદસ્ત આયોજન કર્યું !

પૂરા ભારતમાં સામન્ય લોકો પણ જેનો ઉપયોગ કરતા હતા એ સંસ્કૃત વિશે યુરોપના જ એક વિદ્વાન વિલિયમ જોન્સ ઈ.સ. 1779 માં લખે છે કે સંસ્કૃત ભાષાની વાક્ય રચના અદભુત છે ! યૂનાનીથી વધુ સટિક , લેટિનથી વધુ વિશાળ ને બંને ભાષાથી વધુ સૂક્ષ્મ અને વૈજ્ઞાનિક છતાં બન્ને વચ્ચે સમાનતા અને તે પણ કલ્પનાથી પણ વધુ ! જે માત્ર સંયોગથી શક્ય નથી ! આ વાક્ય ભારતની ઉન્નતિ દર્શાવે છે. જેમાં ત્રુટીઓ પેદા કરી , ભારતના જ ગ્રંથોને પોતાની મત મુજબ બનાવી તેનો વિકૃતિપૂર્ણ ઉપયોગ કરી તેને વલોવી પશ્ચિમના વિદ્વનાઓએ આર્ય જાતિ નામનું માખણ ઉત્પન્ન કર્યું ! તેના આધારે યુરોપિયનોએ પોતાને સાચા ઠેરવ્યા અને તેની ઉપનિવેશવાદી અનિષ્ટકારી પ્રવૃત્તિઓ અને કાર્યોને સાચા અને યોગ્ય સાબિત કર્યા ને તેને જ આગળ વધાર્યા ! એટલું જ નહિ તેમણે નઠારા યુરોપને શ્રેષ્ઠ સાબિત કર્યું !  જોકે તેની કિંમત ભારત જેવા અનેક દેશોએ જાતીય સંઘર્ષો અને જન સંહાર કરનારા યુદ્ધ દ્વારા ચૂકવી અને આજે પણ ચૂકવી રહ્યા છે. બર્બરતા અને હિંસાના સર્વોચ્ય શિખર પર બેઠેલા યુરોપ કઈ રીતે પોતાના જઘન્ય કાર્યો છુપાવ્યા , બીજા પર ઠોકી બેસાડ્યા એની ચર્ચા કરીએ ! ચર્ચા સિવાય આમેય આપણે શું કરી શકવાના ? એક પછી એક સ્ટેપ બાય સ્ટેપ જાણીએ !

આ મુદ્દાનું મૂળ સમજવું હોય તો The Oriental Renaissance,1984 નામનું પુસ્તક ખૂબ મહત્વનું છે ! જેમાં રેમન્ડ સ્વૈબ તે સમયમાં એશિયાનો યુરોપ ઉપર કેવો પ્રભાવ હતો અને તે સમયે યુરોપમાં કઈ રીતે પુનઃ જાગરણ અને જ્ઞાન ઉદય થયો તેની ખૂબ જ જોરદાર માહિતી આપી છે. એક વાત ખાસ જોજો કે આ સમય અઢારમી સદી પહેલા આવ્યો જ્યારે યુરોપના દેશો બીજા દેશો પર લૂંટફાટ અને અડિંગો જમાવી રહ્યા હતા ! અને ઓગણીસમી સદીમાં કેટલોક આ કાર્ય જ્યાં સુધી ચાલ્યું ત્યાં સુધી આ પુનઃ જાગરણ અને જ્ઞાન નો ઉદયનો સમય એકસાથે ચાલ્યો ! થોડું ઉટપટાંગ વર્ણન લાગ્યું તો એને સીધું કરી દઈએ ! વાત મારા ભાઈ એમ છે કે અઢારમી સદી પહેલા યુરોપના લોકો બુદ્ધિ વગરના હતા ને જેવા બીજા દેશોના સંપર્ક આવ્યા – ખાસ કરી ભારતના – કે તેમનામાં બુધ્ધિના દરવાજા ખુલી ગયા ને તેઓ જ્ઞાનનાં ભંડાર બની ગયા ! તમે ખાસ જોજો યુરોપના જેટલા વૈજ્ઞાનિકોએ સંશોધન કર્યા એ ઈ.સ. 1400 અને 1899 સુધીમાં જ છે ! તે પહેલાં ? કેમકે ભારતમાંથી અનેક ગ્રંથો ચોરી તેનો અધૂરો અભ્યાસ કરી તેના આધારે સંશોધન શરૂ કર્યા ! પહેલા નહિ ! આ સાથે પેલા સ્વૈબ ભાઈને ફરી યાદ કરીએ તો આ ભાઈ એમ કહે છે કે સત્તરમી સદીના ઉત્તરાર્ધમાં જરથોસ્તીવાદની મૂળ પુસ્તક ઝંદ અવેસ્તા અને ભગવદ ગીતાના અંગ્રેજી અનુવાદ આવ્યા ! જેમાં લોકોએ જાણ્યું કે ભાઈ બાઇબલ અને પ્રાચીન યુનાનીથી અલગ ને પ્રાચીન એશીયાઇ મૂળ છે ! આ બાબત તેમને જોરદાર લાગી અને આ વખતે ઇસ્વીસન 1765 માં જ જોન હોલવેલ નામના એક ભૂરા ભાઈએ intresting historical events relating to Bengal નામનું પુસ્તક લખ્યું ને ભાઈ ભાઈ એ જોરદાર લોકપ્રિય બન્યું ! કેમકે આ પુસ્તકમાં અધ્યાત્મવિદ્યામાં ઈસાઈ શાસ્ત્રીઓ માટે હિન્દુ ધર્મ જોરદાર જ્ઞાનનો સ્ત્રોત હતો ! આ જ ભાઈએ ઇસ્વીસન 1789માં ફરી ધડાકો કર્યો ને મહાકવિ કાલિદાસનું નાટક અભિજ્ઞાન શકુન્તલાનો અંગ્રેજીમાં અનુવાદ કર્યો ! જેને વાંચો પશ્ચિમના લોકોની આંખનો ફાટી ને ફાટી રહી ગઈ કેમકે આટલા જોરદાર વર્ણન ક્યારેય તેમણે સપનામાં પણ નોહતાં આવ્યા ! સામન્ય માનવી જ નહિ હર્ડર, ગોયટે અને શિલર જેવા વિદ્વાનોને પણ આ કૃતિ પ્રભાવિત કર્યા ! સીધી વાત છે કે ઉજ્જડ ગામમાં કોઈ વાડી બનાવે તો બધા જોતા જ રહી જાય ને ! યુરોપ નામના ઉજ્જડ ગામમાં ભારત નામના જ્ઞાનની વાડી આવી હતી !

આ પ્રકારના સંદર્ભ સ્ત્રોત હાથમાં આવ્યા બાદ યુરોપના લોકો ઘેલા થયા પણ મૂળભૂત રૂપે તેઓ કપટી અને લુચ્ચા હતા આથી તેમના વિદ્વાનોએ યુરોપીય સંસ્કૃતિ માટે એક ભાષા આધારિત મૂળ તૈયાર કરવાનું ભૂત સવાર થયું ને એ કાર્ય સંસ્કૃત ભાષાનો ઉપયોગ કરી કાર્ય સંપન્ન કરવાનું ભૂત હતું ! જેનું ફળ આજનું ભાષા વિજ્ઞાન ! હાં ભાષા વિજ્ઞાન પણ એક યુરોપિય કલ્પના માત્ર છે જેનો આધાર માત્ર કપટ, લુચ્ચાઈ ને ષડયંત્ર છે ! જોકે અફસોસ કે એનું મૂળ સંસ્કૃતનું અધ્યયન છે ! યુરોપિય જ માનવની ઉત્પત્તિ છે તેની ખોજ કરવામાં આવી ! ભાષા વિજ્ઞાનના આધારે જ તેમના પૂર્વજોને પેદા કરવામાં આવ્યા ! તેના આધારે યુરોપના દેશો વચ્ચે ઝઘડા થયા અને સૌ પોત પોતાના કલ્પિત પૂર્વજોને આર્ય, ઇંડો જર્મન , ઇંડો યુરોપિયન અને કોકેશિયન જેવા અનેક નામો આપ્યા ! પણ વાસ્તવમાં બધી માત્ર કલ્પના ! આ તમામ શબ્દોનો ઉપયોગ બહુ ઢીલા ઢીલા શબ્દોમાં એક જન સમુદાય , એક જાતિ કે એક રાષ્ટ્ર અને કેટલીય વાર ભાષા પરિવાર જેવી ધારણાઓની કલ્પના કરવા માટે કરવામાં આવ્યો ! જોકે એ ઉકરડામાં પણ ફ્રેંજ બોપ જેવા સાચા વિદ્વાન હતા જેણે ઇંડો જર્મનીક કહેવાનાં બદલે તેને ખોટી વાત કહી ! આ ભૂરા ભાઈ સામન્ય માનવી ન હતા પણ સંસ્કૃત ભાષાના પ્રમુખ વિદ્વાન હતા ! જોકે આ વાત પણ નિઃ સ્વાર્થ નોહતી ! આ વાત તેણે એટલા માટે કહી કે જેથી કરી જર્મન અને બિન જર્મન લોકો વચ્ચે ઘર્ષણ નાં થાય ! તે પોતે ભાષા વિજ્ઞાનનો સંસ્થાપક હતો ! આ એક પ્રકારનું પહેલું પ્રકરણ હતું ! જેનો અંત થયો મેક્સમુલરની રચના sacred books of east થી ! જે આખેઆખી સિરીઝ હતી ! મેક્સમુલર કોણ હતો અને તેના કારનામા કેવા હતા તેનો એક લેખ અમે અગાઉ આપી ચૂક્યા છીએ!

પાછળની શતાબ્દીમાં ભૂગોળની ઈસાઈ કલ્પનાઓને નવું રૂપ આપવામાં આવ્યું ! કેમકે યુરોપના લોકોને ભૂમધ્ય સાગરની આસપાસ જ પોતાની સાંસ્કૃતિક વિરાસતને સાબિત કરવાની હતી ! સંસ્કૃતના અધ્યયન કર્યા બાદ કાર્ટેસિયન
પરમશક્તિવાદનો વિકલ્પ મળ્યો ! જોકે આ બધામાં એક વાત બની કે યુરોપમાં જાતીય રાજનૈતિક આંતર સંઘર્ષોનો જન્મ થયો ! આ સંઘર્ષોએ વળી ફ્રાન્સીસી અને જર્મન ઉગ્રવાદને જન્મ આપ્યો. આ બધાની વચ્ચે અંગ્રેજોએ જોરદાર સોગઠી મારી ને ઇસાઈઓના સંદર્ભમાં ભારતીય સમાંજને ને આદમ કાળનો અને પારલૌકિક  બનાવીને બધાને બતાવ્યો ! આ બાબતે યુરોપને એવી લાયકાત આપી કે યુરોપ કહી શકે કે સાંસારિક બાબતોમાં યુરોપ ભારત કરતાં શ્રેષ્ઠ છે અને પછી પોતાની સભ્યતાનાં વિસ્તારને વાજબી ઠરાવી શકે ! વાસ્તવમાં યુરોપ માત્ર અત્યાચાર , લૂંટફાટ અને અમાનુષી હત્યાકાંડ કરનારું હતું ! આ સાથે પહેલી વાત પૂરી !

બીજી વાત શરૂ થાય છે તેના પછી જે બીજા વિશ્વયદ્ધ સુધી ચાલી ! આ સિદ્ધાંતનાં કારણે યહૂદીઓ વિરૂદ્ધ ચાલેલું અભિયાન સાચું આબિત થયું અને તેને પ્રોત્સાહન આપનાર પણ બન્યો ! પરિણામ એવું આવ્યું કે એવા એવા કલ્પિત દર્શન અને ઇતિહાસ લખવાનું શરૂ થયું કે એની વાત જવા દો ! ખોટા ઇતિહાસ અને દર્શનનો જાણે વિસ્ફોટ થયો ! જેનું મૂળભૂત ધ્યાન યહૂદી અને ( કાલ્પનિક ) આર્યો પર હતું ! આ બે જાતિઓના કારણે પ્રાચીન લોકોની ઓળખાણ અને બૌદ્ધિક તેમજ રાજનૈતિક તોફાન પેદા થયા ! જેનો પ્રભાવ આખા યુરોપ પર પડ્યો. પૌરાણિક કાળ નાં આર્યો અને હિબ્રુઓનો અભ્યાસ ભાષા શાસ્ત્રીય અધ્યયનથી આગળ નીકળી એક ષડયંત્ર બન્યું જેના આધારે યુરોપીય વિદ્વાનોએ જાતિ શાસ્ત્રની રૂપરેખા બનાવી અને તેનો પરિચય પોતાના સ્વાર્થ મુજબ આપવાનો શરૂ કર્યો. જેમકે યુરોપના એક દાર્શનિક અર્નેસ્ટ રેનાને દાવો કર્યો કે હિબ્રુ લોકો દુનિયામાં એકેશ્વરવાદ લઈ આવ્યા હતા ! આ યહૂદીઓ આત્મ કેન્દ્રિત , ઉપદ્રવી અને એક જ જગ્યાએ વસનારા હતા ! હવે ઈ ક્યારે જોવા ગયો કે શું કોણ કહી ગયું એ તો ભાઈ સૌના ભગવાન રામ જાણે ! પણ ઈ ભાઈએ આવું બાફ્યું ! આટલેથી ઈ ભૂરો અટક્યો નહિ ! એણે આગળ ચલાવ્યું કે આર્યો પાસે કલ્પના , તર્ક , વિજ્ઞાન , કળા અને રાજનીતિ જેવા નૈતિક ગુણ હતા. આથી તેઓ ગતિશીલ હતા ને આ બહુદેવવાદ અને સર્વેશ્વરવાદ સાથે જોડાઈ ગયા.  આર્યનો બહુદેવવાદ ( આજના ભારતીય જેમાં માને છે એ ) ગતિશીલ હતો ને સામે એકેશ્વરવાદ એક જગ્યાએ રહેતો હતો. બન્ને એક બીજાથી વિપરીત હતા. આ બન્ને મત માનનારા વિદ્વાનો વચ્ચે તણાવ પેદા થયો. જોકે એક વાતમાં બેય એક જ હતા કે ઇશ્વરીય કે બાઇબલમાં કહેલો ઇતિહાસ અને નિયમો સાચા છે. જેમાં માની લેવામાં આવ્યું હતું કે યુરોપિય ઇસાઈઓ ઉપર અદ્ર્શ્ય ઈશ્વરનો હાથ હોવાના કારણે તે વ્યાજબી રીતે બધી અભૂતાઓમાં સર્વ શ્રેષ્ઠ છે. યુરોપના લોકો પણ જુના સ્ટેટમેન્ટ અને નવા સ્ટેટમેન્ટની વચ્ચે હિબ્રુ , લેટિન અને યૂનાની વચ્ચેની સમાનતાનાં કારણે ભાષા સબંધ આધારિત ખોજ ચાલતી રહી. રેનાને બેયને માતા પિતા તરીકે ઉપયોગ કરી યુરોપને મહાન સાબિત કરવામાં કઈ બાકી નાં રાખ્યું.

હવે વાત આવે છે કે આ ગપગોળો બધાએ સ્વીકારી કેમ લીધો તો વાત એમ છે કે આ ગપગોળાને સંસ્કૃતનું અધ્યયન કરી સાચો સાબિત કરવામાં આવ્યો. સંસ્કૃતનું અધ્યયન થયું જેના કારણે નસ્લ વિજ્ઞાનમાં ક્રાંતિ આવી ગઇ. યુરોપની આખી રાજનીતિ બદલાઈ ગઈ. કેટલી હદે તો ફ્રેડરિક મેક્સમુલર નું ઉદબોધન જુવો – ભલું થાય ભારતની પ્રાચીન ભાષા સંસ્કૃતનું અને તેની ખીજનું ………ને ધન્ય છે આ ભાષા અને યુરોપની પ્રમુખ બોલીઓ વચ્ચેની નજીકની સ્મંતાઓનું ….જેના કારણે વિશ્વના આદમ કાળના ઇતિહાસ જાણવાની પદ્ધતિમાં ક્રાંતિ લાવી દીધી …!”

પછી શું ? એક વાર જ્યારે ભારતના મૌલિક ગ્રંથોનાં ખજાનાને ખોદવાનું શરુ થયા બાદ તેના ભાષાંતર , ખોટા ભાષાંતર , સાહિત્યિક ચોરી , ખંડન અને પ્રક્ષેપોની પ્રક્રિયા કરી ભારતીય જ્ઞાનને પશ્ચિમી જ્ઞાનનાં રૂપમાં રજૂઆત કરી તેનું સ્થળાંતર જ કરી દેવામાં આવ્યું. જેનાથી ભારતીય સ્ત્રોત તેનો પ્રાચીન વૈભવ ખોઈ બેઠો ! કેમકે ગુરુકુળ બંધ હતા ને જે અંગ્રેજી નોહતા જાણતા તે આ વિશે અજાણ હતા ને જે સમજી શકે એમ હતા તેમને અંગ્રેજી સિવાય કઈ નોહ્તું આવડતું ! બધા વિદ્વાન અંગ્રેજી જાણનારા હતા ! ને આવા ખોટા ભાષાંતર ‘ ભણી ‘ વિદ્વાન બન્યા હતા!  હવે તો કાવ્યાત્મક અને દાર્શનિક તત્વ સાથે ભારતીય જ્ઞાન અને પ્રતિકોને ઉપયોગ કરવામાં આવ્યો ! જે ભારતના જ હોવા છતાં તેને યુરોપીય બનાવવામાં આવ્યા ! કોપી પેસ્ટ જેવું પણ એડિટ કરેલી પ્રિન્ટ ! હવે બાકીનું કામ કરવાં આવ્યું ! તેના પર કાતર અને ગુંદર લગાડી તેનો ઉપયોગ કરવામાં આવ્યો. જેથી યુરોપિય ઇતિહાસમાં તેનો ઉપયોગ કરી શકાય. ભારતીય સભ્યતા યુરોપીય લોકોની સજાવટ , સ્મારક અને સ્મૃતિ ચિન્હ બની ગઇ. એનું પરિણામ એ આવ્યું કે યુરોપમાં ભારતનો પ્રવેશ સંગ્રહાલયમાં રાખેલા ‘ પ્રાચીન પણ જંગલી ‘ નાં રૂપમાં થયો. પણ આ આખી પ્રક્રિયામાં ભારતીય સભ્યતા પોતાની અખંડતા આજે એકતા ખોઈ બેસી. તે અનેક અંગોનો સંગ્રહ બની ગઈ. જેને એકબીજાથી અલગ કરી શકાય , તેમને ભૂમિ , રંગ અને પરિવેશ મુજબ અલગ કરી શકાય અને અનેક સંદર્ભમાં આધારે અલગ અલગ દર્શાવી શકાય! પછી તેને યુરોપીય પરિસ્થિતિમાં ફરી જોડી શકાય. ભારતનું આ રીતે પતન કર્યા બાદ તેના આધારે મુખ્ય રૂપે ઇંગ્લેન્ડ , ફ્રાન્સ અને જર્મનીએ પોતપોતાના જાતીય વિશ્વ દ્રષ્ટિકોણનું નવીનીકરણ કર્યું. આટલેથી તેઓ અટક્યા નહિ ત્યારબાદ હર્ડર નામના વિદ્વાને સ્વચ્છંદતાવાદનાં આધારે ભારતના સાહિત્યિક અને સાંસ્કૃતિક સ્ત્રોતનો ખોટી રીતે ઉપયોગ કરી યુરોપની ઓળખાણ બનાવી , તો કાર્લ વિલ્હેમ ફ્રેડરિક શ્લેગલ નામના ભૂરાએ નસ્લ શ્રેણીઓ વિકસિત કરી ભારતની રચનાને જંગલી સાબિત કરી બતાવી ! આ ભાઈએ યુરોપની વેરાન ભૂમિને બધાથી વધુ ફળદ્રુપ અને ઉર્વર ભૂમિ બનાવી દીધી ! અહીથી જ આર્ય ભારતમાં ગયા એ ઉલ્લેખ કરનારા આ ભાઈ પોતે ! હજી બાકી છે હોં….અર્નેસ્ટ રેનાન નામના ભૂરાએ આર્ય ને સામી બે ધારાઓ બનાવી તેમાં ઈસાઈ વિજયને પેદા કર્યો અને મેક્સમુલર દ્વારા વેદોનું વિકૃતિકરણ , એડોલ્ફ પિક્કેટ દ્વારા સાબિત કરવામાં આવ્યું કે વિશ્વની સર્વાધિક શકિતશાળી નસ્લનું જન્મ સ્થળ યુરોપ છે. ભારતના પ્રારંભિક લોકો આર્યો અહીંના મૂળ નિવાસી હતા ! રુડોલ્ફ ગાઉ નામના ભૂરાએ તો ઇંડોજર્મન ને એક કરી દીધા. ગોબીનો દ્વારા નસ્લ વિજ્ઞાનનો આવિષ્કાર કરવામાં આવ્યો અને આપણે સૌ આદમના વંશજ છીએ નું જુઠ્ઠાણું શરૂ કરવામાં આવ્યું! ચેમ્બરલેન નામના લેખકે તો ખ્રિસ્તીને  પૂરા યુરોપિય અને મૂળભૂત ટ્યુટોનિક ઘટના સાબિત કરવા મથી ગયો ને આખરે બધા પ્રયાસો નાજીવાદમાં પરિણમ્યા અને આર્ય નામનો ઉપયોગ કરી હિટલર આખી પૃથ્વી પર સામ્રાજ્ય સ્થાપવા ચાલી નીકળ્યો ને 60 લાખ યહૂદીઓને મોતને ઘાટ ઉતારી દીધા !

આ તમામ કારનામા કરનારા યુરોપિયન છે , પણ બધો દોષ ભારત પર ઢોળે છે. હકીકત છે તે યુરોપિયન પ્રવૃત્તિ હતી જેણે ભારતીય પરંપરાઓને  ખોટી રીતે આત્મસાત કરી તેને વિકૃત કરીને યુરોપિયન રાજકીય ઓળખનો લાભ મેળવવા તેનો દુરુપયોગ કર્યો ! તોય કેટલાક યુરોપિયન વિદ્વાનોની બક્વાસ કરે છે
કે યુરોપિયન જાતિવાદ અને નાઝીવાદ ભારતમાંથી આવ્યો ! કોલંબિયા યુનિવર્સિટીના પ્રોફેસર શેલ્ડન પોલોક આ વિચારને પ્રોત્સાહન આપે છે. પોલોકના મતે, મીમાંસા શાળા દ્વારા રજૂ કરાયેલ ‘ઉચ્ચ બ્રાહ્મણવાદ’ને કારણે ‘વસાહતી પૂર્વ-રચિત ભારતીય વિચારધારામાં યોગદાન આપ્યું, અને નાઝીવાદે તેને પોતાની રીતે અપનાવી લીધો ને  જર્મનીમાં અમલ કરવાનો પ્રયાસ કર્યો. પોલોક દલીલ કરે છે કે આ કારણ છે જેનાં આખરે ‘નરસંહાર’ થયો !  બોલો ! છે કઈ લાજ શરમ જેવું. ઈતિહાસકાર રાઉલ હિલબર્ગે યુરોપિયન યહૂદીઓનો વિનાશ
નામનું પુસ્તક ત્રણ ભાગમાં પ્રકાશિત કર્યું છે.
શું છે એમાં તો ઇતિહાસકાર વિલિયમ નિકોલ્સ કહે છે કે મધ્યયુગીન સમયગાળામાં ચર્ચના ધાર્મિક કાયદા અને નાઝીઓના પછીના પગલાં
બંને વચ્ચે સરખામણી કરવા માટે એક અનોખું કોષ્ટક છે જે નિઃશંકપણે બતાવે છે કે નાઝીઓ મૂળ ન હતા, પરંતુ એક જાણીતા ઉદાહરણ મુજબ કર્યું’
[ એક આડ વાત 2010 માં, પોલોકને ભારત સરકાર દ્વારા પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા. ]
વિલ્હેમ હોબફાસે પોલોકની થીસીસનો દૂરોગામી અસરો કરવા અનુમાન લગાવે છે કે શું આ અંતરનિહિત રચનાની ઓળખાણ
‘ ઘોર નાઝીવાદ’ અથવા ‘ ગહન મીમાંસા જ્ઞાનનાં રૂપમાં કરી શકાય ? અને હવે અમને કુમારિલ અને જોન્સને ‘ ઘોર નાઝી’ અને એડોલ્ફ હિટલરને ‘ ગહન મીમાંસક’ કહેવાથી
કોણ રોકશે ? બોલો ક્યાં હિટલર અને ક્યાં મીમાંસા ?

અફસોસ કે આજે ભારતીય સંદર્ભમાં આર્ય ખ્યાલનો અર્થ હજુ પણ ઉપયોગમાં લેવાય છે. જે વાસ્તવમાં ઇંડોલોજિસ્ટોની કલ્પના માત્ર છે. યુરોપિયન જાતિવાદી વિભાવનાઓ ભારતમાં એટલી ઊંડી ઘૂસી ગઈ છે, જ્યાં આજે પણ ગોરી ચામડીવાળાને  ‘આર્ય’ અને કાળી ચામડીના ‘દ્રવિડ’નો સંદર્ભ આપવામાં આવે છે. આ ભેદોને સૌપ્રથમ વસાહતી કાળમાં પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા ! પરંતુ હજુ આજે પણ ભારતમાં વિવિધ અભ્યાસોમાં તે નિશ્ચિતપણે સ્થાપિત થયેલા છે. આ છે આર્ય !

સંદર્ભ સ્ત્રોત

ભારત વિખંડન ( રાજીવ મલ્હોત્રા )

Sharing Is Caring:

1 thought on “‘ આર્ય જાતિ ‘ એટલે શું !”

Leave a Comment