મેક્સમુલર હતો કોણ ? બહુ બુદ્ધિશાળી પણ દુષ્ટ !

મેક્સમુલર હતો કોણ ? બહુ બુદ્ધિશાળી પણ દુષ્ટ !

ભારતની શાળા મહાશાળોઓમાં આજે પણ પ્રો. ડૉ. મેક્સમુલર એક સ્થાપિત થયેલા સંસ્કૃતજ્ઞ છે ! તેમના જ્ઞાનની ધાક આજે પણ તેમનાં મેકોલે પુત્ર પર એવી સજજડ છે કે જર્મનીના દૂતાવાસને મેક્સમુલર ભવન રાખી દીધું છે ! એક આંકડા મુજબ દર વર્ષે ભારતમાં 1500 થી વધુની રકમ સંશોધનના નામે ખર્ચ કરવામાં આવે છે પણ હરામ બરાબર કોઈએ એમ પૂછ્યું હોય કે ભાઈ આ જે ભાઈ મેક્સમૂલર છે ઈ ભાઈ જનમ્યા તો જર્મનીમાં અને લગભગ આખું જીવન ઇંગ્લેન્ડની ઇસ્ટ ઇન્ડિયા કંપનીની સેવામાં –  અંગ્રેજોની જી હજુરી કરવામાં કાઢ્યું એણે સંસ્કૃત ક્યાં ગુરુ પાસેથી શીખ્યું હતું ?  ક્યાં ગુરુકુળ કે ક્યાં સંસ્કૃત ભાષાના વિદ્વાન પાસે એની વિશે આજે પણ ક્યાંય એક લીટી કોઈ લખી ગયું હોય કે લખ્યું હોય એવી અમને ખબર નથી ! હવે મહાન શિષ્યના મહાન ગુરુનો અતોપતો જ નથી તેની વિદ્વતા વિશે કોઈ પૂછે જ નહીં તો દાળમાં કૈક કાળું તો હોવાનું જ ને ? પણ આપણાં મહાન દેશના મહાન વિદ્વાનોએ આજ સુધી આ બાબતે કયાંય માથું માર્યું જ નથી ! કેમકે શાળાઓમાં શિક્ષણ જ એવું છે કે….જવા દો એ વાત !  આજે આપણે થોડી જીજ્ઞાસા જગાડીએ અને કહેવાતા વિદ્વાન મેકસમુલર જન્મકુંડળી કાઢીએ!

હવે આવીએ આ ભૂરા ભાઈ પાસે તો આ ભાઈના ઇરાદા જાણવા હોય તો તેના દ્વારા ઈસ્વીસન 1868 માં લખાયેલ ઓરગોઇલનાં પત્રમાં તમને જોવા જાણવા મળશે ! જે તે સમયે ભારતમાં બ્રિટિશ સેકેટરી ઓફ સ્ટેટનાં પદ પર હતો ! ઇસ્વીસન 1868 ની 16મી ડીસેમ્બરનાં રોજ શું લખ્યું છે આ મેક્સમુલર નામનાં ભૂરા ભાઈએ તો –  ” ભારતનો પ્રાચીન ધર્મ વિનાશના આરે છે. એવામાં ખ્રિસ્તી ધર્મ પોતાનો ફેલાવો નાં ( સીધી ભાષામાં કહીએ તો ધર્માંતરણ )  નાં કરે તો ભૂલ કોની હશે ? “
( રાજીવ મલ્હોત્રા કૃત બ્રેકિંગ ઇન્ડિયા , પૃષ્ઠ -27) આ પત્ર કોઈને પણ સંભળાવો શું અર્થ થાય ? તેનો ઉદ્દેશ્ય ચોખ્ખો રાજનૈતિક અને મિશનરી છે ! તે ભારતીયોને ઈસાઈ બનાવવાનો પ્રબળ સમર્થક હતો ! આવા વિદ્વાનને બૌધ્ધિક પ્રપંચી કહેવાય ! કપટી મુનિ ને મામા શકુની જેવો ! મામોય શેનો થાય આ ભૂરિયો ! 

મેક્સમુલરનું ચરિત્ર

હવે આ ભાઈના ચરિત્ર વિશે વાત કરીએ તો  મેક્સમુલરનું ચરિત્ર કાચ જેવું ચોખ્ખું ત્યાં થઈ જાય જ્યાં તેની ઘરવાળી ( પત્ની ) એ લખેલાં પત્રો વાંચો ! ચાલો થોડા વાંચીએ ! ઈસ્વીસન 1868માં જ તે પોતાની પત્નીને પત્ર લખે છે કે ,” હું એ આશા સાથે આ કાર્ય સંપાદિત કરી રહ્યો છું ને મને વિશ્વાસ છે કે એ દિવસ જોવા હું જીવતો નથી રહેવાનો ! તો પણ મારું આ પ્રકાશન અને વેદોનો અનુવાદ આ દેશના કરોડો લોકોનો વિકાસ અને ભવિષ્ય નક્કી કરશે. ” આ જ પત્રમાં આગળ તે લખે છે કે, ” વેદ એમના ધર્મનો મૂળ આધાર છે. તેમના મૂળને તેમને બતાવવા માટે કે તે મૂળ ક્યું છે મને વિશ્વાસ છે કે તેને જડ સમેત ઉખાડી ફેંકવો એ જ એનો એકમાત્ર રસ્તો છે. જે છેલ્લા ત્રણ હજાર વર્ષમાં જનમ્યું છે! ” ( રાજીવ મલ્હોત્રા કૃત બ્રેકિંગ ઇન્ડિયા , પૃષ્ઠ -27)

આ કથન તેની નીતિ , નિયત અને પ્રમાણિકતાની ચાડી ખાય છે કે તે કોઈ સામન્ય પગારદાર કે અનુવાદક કે બુધ્ધિશાળી કે વિદ્વાન નોહતો પણ મૂળભૂત રીતે તે પેલા અનેક યુરોપીય રાક્ષસોનો શુક્રાચાર્ય હતો ! હજી વાત પૂરી નથી થઈ ! એનું મલિન ચરિત્ર ત્યારે વધુ મલિન જણાય જ્યારે તે લખે છે કે ભારતમાં જાતિ ધર્મ પરિવર્તન કરવા માટે ખૂબ મોટી મુશ્કેલી છે. તેના વિચારથી જાતિ – આજ સુધી ધર્મ પરિવર્તન કરાવવામાં મુશ્કેલી સાબિત થઈ છે, પણ સંભવ છે કે ભવિષ્યમાં આ જાતિ વ્યક્તિ નહિ પણ આખે આખા ભારતીય સમાજના એક સંપૂર્ણ વર્ગને ધર્મ પરિવર્તન કરાવવા માટે સૌથી શકિતશાળી એન્જિનની જેમ કામ કરશે ! ( રાજીવ મલ્હોત્રા કૃત બ્રેકિંગ ઇન્ડિયા , પૃષ્ઠ -52) જે આજે 2022માં આપણે આપણી સગ્ગી આંખે જોઈ રહ્યા છીએ ! ખરેખર જોરદાર ખતરનાક આઈડિયાબાજ હતો !

વાસ્તવમાં ભારતીય સમાજમાં જાતિ કોઈ વર્ગ નોહતો પણ વિસ્તૃત વંશનું નામ હતું ! જેના માટે અંગ્રેજીમાં કોઈ સામાનાર્થી શબ્દ જ નોહતો ! જે હતો તે શબ્દ હતો કમ્યુનિટી (Community) ! જેને ભારતીય જાતિ શબ્દ સાથે  ન્હાવા નીચોવાનોય મેળ જામતો નથી ! જાતિ એક વિશેષ વંશાનુગત આજીવિકાનું સાધન હતું ! જે કોઈ રાજ્ય કે રાજા કે કોઈપણ ધર્મપીઠ કે ખાસ ભૌગોલિક ક્ષેત્ર સાથે સંબંધિત હતું ! અંદરોઅંદર લગ્ન – વિવાહ , ખાનપાનની એક ખાસ રીતનું પાલન થતું ! Cast નું તેના સાથે કોઈ લેવાદેવા નોહતું ! વાસ્તવમાં આ સ્થતિ સમાજની સ્વ નિયંત્રિત ઉત્પાદન કરનાર યુનિટ હતું કે પછી એમ કહો કે સમાજ માટે આવશ્યક વસ્તુઓ બનાવનારું યુનિટ હતું ! સમાજની બધી જાતિઓ સ્વ નિયંત્રિત અને સ્વયં સમર્થ લોકતાંત્રિક યુનિટ એટલે કે એક બીજાની સહાયતા પૂરક હતી ! જેમાં જાતિનાં વડીલો તેના નીતિ નિયમો , રિવાજો , ન્યાય , અન્યાય કે પછી સામજિક કૃત્યો નક્કી કરતી ! જો કોઈ વ્યક્તિ તેની વિરુદ્ધ કાર્ય કરે તો તેને એક ને ( પરિવાર સાથે નહીં હોં ) જાતિ બહાર કાઢી મૂકવામાં આવતી ! આ કારણે જ મિશનરીઓ માટે ગામના ગરીબમાં ગરીબ વ્યક્તિને પણ ધર્મ પરિવર્તન કરાવવો અસંભવ કામ બની જતું ! આથી જ જાતિ ધર્મ પરિવર્તન કરાવવામાં સૌથી મોટી મુશ્કેલી હતી ! કેમકે આજ જેવી બતાવવામાં આવે છે એવી રીતે જાતિઓ ઉપર નીચે નહિ પણ સમાંતર અને અનુપુરક વ્યવસ્થા હતી ! ભારતમાં સન્માન કોઈ કુળમાં પેદા થવાથી નાં તો ત્યારે મળતું નાં અત્યારે મળે છે. માત્ર વ્યક્તિના કર્મ જ તેને સન્માન દેવડાવી શકે છે. કબીર , રૈદાસ તેના આજકાલના જ ઉદાહરણ છે ! ક્ષત્રિયાણી રાણી મીરાબાઈનાં આધ્યાત્મિક ગુરુ રૈદાસ ચર્મકાર જ હતાં ને ? રૈદાસની લોકપ્રિય લોકોક્તિ ખાસ એમના માટે જ બનાવવામાં આવી છે ને કે જો મન ચંગા તો કથરોટમાં ગંગા !

મેક્સમુલરનું કાર્ય

હવે આ ભૂતભાઈની કરતૂત સમજવા એક ઉદાહરણ જોઈએ ! તેણે કરેલા અનુવાદમાંથી એક ઉદાહરણ સમજવા પ્રયાસ કરીએ કે એક સામન્ય લાગતો દુષ્ટ માનવી ધારે તો કેટલી હદ સુધી ઉથલ પાથલ કરી શકે ! પૂરા મુલર સમુચ્ચયમાં આની સાબિતી આપતાં અનેક ઉદાહરણ ભરેલા પડ્યા છે ! આજે એક જોઈએ ! જેમાં આ ભૂરા ભાઈ મેક્સમુલરે ઉપનિષદોનો  ‘The Sacred Books of the East’ નામથી અનુવાદ કર્યો ! જેમાં બૃહદ આરણ્યક ઉપનિષદનાં 6.6.18 સંખ્યા શ્લોકનો અનુવાદ કંઇક આ રીતે કર્યો , “And if a man wishes that a Learned son should be born to him, famous, a public man, a popular speaker, that he should know all the Vedas, and he should live to his full age, then,
after having prepared boiled rice with meat and butter, they
should both eat, being fit to have offspring. The Meat should be of a young or of an old bull.”

અમારી જેમ અંગ્રેજીમાં બહુ ટપ્પો નાં પડતો હોય તો આ રહ્યો એનો અનુવાદ , “અને જે વ્યક્તિ ચાહે કે તેને ( ત્યાં )  એક પ્રસિદ્ધ લોકપ્રિય વ્યક્તિ અને વક્તા પુત્ર પેદા થાય જે વેદોમાં પારંગત હોય અને પોતાનું પૂરું આયુષ્ય ભોગવે તો તે દંપતીએ ચોખાને માંસ અને માખણ સાથે બાફીને ગ્રહણ કરવું જોઈએ ! માંસ વાછરડાનું કે વૃદ્ધ બળદનું હોવું જોઈએ.

બોલો ! હવે કંઈ કહેવું છે ! પણ વાસ્તવમાં છે શું એ માટે મૂળ ગ્રંથમાંથી શ્લોક લઈ એનો અનુવાદ સમજીએ તો ખબર પડે કે આ ભાઈએ શું બાફ્યું અને આજેય આપણે શું બાફી મારી પોતાનાં જ દેશના નાશમાં યોગદાન આપી રહ્યા છીએ.

મૂળભૂત શ્લોક આ છે –
“ब्रवीत सर्वमायुरियादिति माँ, सौदनं पाचयित्वा सर्पिष्मन्त-
मश्नीयातामीश्वरौ जनयितवा औक्षेण वार्षभेण वा”।।18।।

અર્થ : જે ઈચ્છે છે કે તેનો પુત્ર પ્રખ્યાત પંડિત હોય , વિદ્વાનોની સભામાં નિર્ભીક પ્રવેશ કરનારો હોય , શ્રવણ સુખદ વાણી બોલનારો હોય , સંપૂર્ણ વેદોનો અભ્યાસ કરે અને પૂરા સો વર્ષ જીવીત રહે તે પુરુષ અને તેની પત્નીએ ઔષિધીનાં કંદ અને ચોખા બાફીને ખાવા જોઈએ. આનાથી તે ઉપરોક્ત યોગ્યતાવાળા  પુત્રને જન્મ દેવા સમર્થ બને છે. ઉક્ષા અથવા વૃષભ નામની ઔષધિનાં કંદ સાથે ખાવાનો નિયમ છે.

જરા જુવો તો ! કેવી રીતે ઔષધિની જગ્યાએ ચાલાકીથી માંસ લખી દીધું ને ઉક્ષા અથવા વૃષભની જગ્યાએ વાછરડો અને વૃદ્ધ બળદ લખી દીધું ! ચાલો માની લઈએ કે આ તેની ભૂલ હતી અને સંસ્કૃત નાં અલ્પ જ્ઞાનને કારણે તેણે આવી ભૂલ કરી હશે એમ માની તેને માફ પણ કરી દઈએ પણ તેના ધર્મ પરિવર્તન અને વેદો વિશેના કે વિચારો આપણે જાણ્યા તે પછી તો ઉપરોક્ત વિચાર સાબિત કરે છે કે મેક્સમુલર દ્વારા રચવામાં આવેલા આ અનુવાદ ષડયંત્ર જ હતું અને તે યુરોપીય રાક્ષસોનો શુક્રાચાર્ય જ હતો ! કોઇએ આજ સુધી મૂળ ગ્રંથો વાંચી મુલરની સમીક્ષા  કરવાની નવરાશ લીધી જ નથી ને ! આપણી માનસિક ગુલામીની હદ તો ત્યાં થાય છે કે કોઈ એવી જિજ્ઞાસા પણ નથી જગાડતું કે જ્યાં આપણાં ઋષિ મુનિ કણ કણમાં ભગવાનની વાત કરતા હોય , આપણાં શાસ્ત્રો ગાયને માતા માનતા હોય તે જ ઋષિ મુનિઓ એવું કઈ રીતે લખી શકે કે યોગ્ય પુત્ર પેદા કરવા માટે વાછરડાનું માંસ ખાવ ?

અને આજે પણ આપણા કહેવત વિદ્વાનો આ ખોટા ભાષાંતર ભણી ભણી બક્યા કરે છે કે વેદોમાં પણ માંસ ખાવાનો ઉલ્લેખ છે ! આપણાં પૂર્વજ પણ માંસ ખાતા હતા !  એક જ ફટકાથી મેક્સમુલરે હિન્દુ ધર્મના મૂળમાં જ બટ્ટો લગાડી પૂરી સંસ્કૃતિને વિકૃત કરી સૂકવી દીધી ! ભારતના જે માર્ગ દર્શકો ઈસ્વીસન 1857 બાદ પેદા થયા અને જેમનો સબંધ ભારતભૂમિ અને ભારતના સંસ્કૃત સાહિત્યથી કપાઈ ચૂક્યો હતો અને જે અંગ્રેજીના પ્રકાંડ ( હવે તો એમને બુદ્ધિના બળદિયા જ કહેવાય ! ) આધુનિક કહેવાતા પંડિતો હતા ઇ બધાયે ઋષિ મેક્સમૂલરને સંદર્ભિત કરતા કરતા લખતા બોલતા ગયા કે વૈદિક યુગમાં ગાય , વાછરડા અને બળદ ખાવાની મનાઈ નોહતી ! મેક્સમુલરની આ ચાલ , ષડયંત્ર ને દગાની રીતને બધા ઇતિહાસકારોના લેખનનું પ્રારૂપ બની ગઇ ! મૂળ ગ્રંથોનાં સંદર્ભ જોયા વિના જે લેખકે જે બક્યું , અંગ્રેજી પુસ્તકનું નામ ટાંકી બાફી માર્યું ને પોતાનો જે મત પ્રગટ કર્યો તે આપણાં મેકોલે દીક્ષિત ભારતીય ઇતિહાસકારો માટે વેદ વાક્ય બની ગયા ! રોમિલા થાપર અને ઓ એસ શર્મા વગેરે ભારતીય ઇતિહાસકારોએ આ જ વિદ્યા અપનાવી વૈદિક કાળમાં ગાય , વાછરડા અને બળદ ખાવાના આ ખોટા ગપ્પને સત્ય સાબિત કરી દીધું ! જોકે હવે સમય છે આ તમામ ઇતિહાસકારોનાં ગ્રંથો અને સંદર્ભોને ક્રોસ ચેક કરવાની ! જેથી ઇતિહાસમાં રચવામાં આવેલા પ્રપંચ અને કુટિલ વ્યાખ્યાઓ સામે આવે ! જોકે આ માટે ઘણું મોટું સાહસ , ધન , અને જીવનું જોખમ લઈ દળદાર ગ્રંથ લખવો પડે એમ છે અને કોણ લખે ? પ્રશ્નાર્થ આજે પણ વિદ્યમાન છે !

હવે વાત થોડી આડવાત લઈએ ! એક ખૂબ જ જબરદસ્ત લેખક છે ! એમનું નામ છે પ્રોદોશ આઇચ ! તેમણે ઇસ્વીસન 2004 ઓગસ્ટમાં એક અંગ્રેજી પુસ્તક લખેલું જેનાં નામ છે  Lies with Long Legs અને ફરી 2005માં વધુ એક પુસ્તક લખ્યું “TRUTHS” (500 years European Christians in His-
tory: War Robbing, Murder, Genocide, Occupation Exploitation : Churches, Universities, Demi God Like Maxmuller Prepare the ground જેમાં તેમણે ખૂબ જ જબરદસ્ત સંશોધન કરી પ્રમાણિક રૂપે સાબિત કર્યું કે તથાકથિત પ્રોફેસર ડૉ મેક્સમુલર નોહતો પ્રોફેસર કે નહતો ડોકટર ! જેણે પોતે જ પોતાને સ્નાતક અને ડોકટર ઘોષિત કરી રાખ્યો હતો તેની મરણોપરાંત તેની પત્ની જોર્જીના મેક્સમુલરે તેની આત્મકથા રિપ્રિંટ કરાવી તો તેણે પોતે જ તેને ફરી વાર પ્રોફેસર અને ડોકટર ઘોષિત કર્યો ! વાસ્તવમાં તો મેક્સમુલર પાસે કોઈ સત્તાવાર સર્ટિફિકેટ એટલે કે કાગળિયું હતું જ નહીં ! મૂળભૂત રીતે તે જર્મન ભાષા બોલનારો જર્મન હતો ! જેનું પૂરું નામ ફ્રેડરિક મેક્સિમિલિયન મુલર હતું ! જેણે લીપજિગ વિશ્વ વિદ્યાલયમાંથી મેટ્રિક પાસ કર્યું હતું !

(પ્રોદોશ આઇચ કૃત Truths , પૃષ્ઠ નંબર 53 )

પ્રોડોશ આઇચે માત્ર મેક્સમુલર જ નહિં પણ તત્કાલીન અન્ય યુરોપીય સંસ્કૃતજ્ઞ વિશે પ્રમાણિક સંશોધન કર્યા અને એ નિર્ણય પર પહોંચ્યા કે આ બધા દુષ્ટ હતા ! આજની ભાષામાં કહીએ તો ફ્રોડ હતા. જેમણે પ્રિન્ટ ઇટ ટુ રી પ્રિન્ટ ઇટ નો ઉપયોગ કરી જે તેમનાં મનમાં ધારણા હતી તેને જ સત્ય માની સ્થાપિત કરી દીધી ! આજે પણ આપણે કે કોઈપણ એ નથી સમજી શકતાં કે યૂરોપના આધુનિક વિદ્વાન કઈ રીતે વિચારતા હતા ને દાવા કરે છે ને કઈ રીતે શીખતા હતા કે માત્ર થોડાક મહિનામાં જ તે બધા સંસ્કૃત , અરબી કે પર્શિયન જેવી ક્લાસિક ભાષાઓ શીખી જતા ને પાછી એ પણ જેવી તેવી નહિ  તેમના પર વર્ચસ્વ સ્થાપિત કરી લેતા ! જોકે એ આટલાં હોંશિયાર હોવા છતાં ઈ બધા ‘ હોંશિયાર ‘ એ વાત ખબર નહિ કઈ રીતે ભૂલી જતા હતા કે તેમની પોતાની લેટિન અને ગ્રીક ભાષાઓ શીખવા માટે વર્ષોના વર્ષો લગાડતા ! 
(પ્રોદોશ આઇચ કૃત Truths , પૃષ્ઠ નંબર 66 )

મેક્સમૂલર ની સ્કોલરશિપ પર પ્રમાણિક રીતે
પ્રશ્નાર્થ ચિન્હ લગાવે છે કે , ” કારણ ગમે તે હોય પણ મેક્સમુલર એટલું જ્ઞાન પણ નહોતો મેળવી શક્યો કે તે એકેડેમી પરીક્ષામાં નહોતો બેસી શક્યો ! તે લીપજિગની એક પણ એકેડેમીક સર્ટિફિકેટ નહોતો મેળવી શક્યો. શું રુચિનો અભાવ હતો ? કે પછી ક્રમિક રૂપે શિક્ષા નાં મેળવી શકવાના કારણે ? એ અમને ખબર નથી. પણ એટલું પાકું કે લિપઝીગ વિશ્વવિદ્યાલયમાં ગરીબ વિદ્યાર્થીઓ ને આપવામાં આવતી સ્કોલરશિપ હજમ કરી ત્યાંથી ભાગી નીકળે છે અને મુક્તિ પ્રાપ્તિ કરવા માટે બર્લિનની તીર્થયાત્રા પર નીકળી જાય છે !
(પ્રોદોશ આઇચ કૃત Truths , પૃષ્ઠ નંબર 124 )

મેક્સમુલરની સંકૃતજ્ઞ બનવાની તકનીક

જો મેક્સમુલર માત્ર મેટ્રિક્સ પાસ હોવા છતાં ભારતની સંસ્કૃત ભાષાનો વિદ્વાન કઈ રીતે બની ગયો ? તો જવાબ છે એ બંદા પાસે એક મસ્ત ને જોરદાર ટ્રિક હતી , તકનીક હતી ! કેવી ? તો ચાલો જાણીએ !

એક વાત ફરી યાદ દેવડાવી દઈએ કે મેક્સમુલર ની આ તકનીક અમે નથી શોધી પણ પ્રોડોશ આઇચ નામના સંશોધકે શોધી છે. તેમના જ શબ્દોમાં કહીએ તો – ‘ તેણે ત્યાં પ્રચલિત સંસ્કૃતિ ( get it ptinted to get it imprinted ) ને અપનાવી આ કારનામા કરી બતાવ્યો. દેવનાગરી માં પ્રકાશિત થયેલી કોઈપણ સંસ્કૃત રચના લો અને તેની ત્યાંની સ્થાનિક ભાષામાં ઉપલબ્ધ કોઈપણ અનુવાદ લઈ લો જે તમને સમજાય તે ખરીદી લો ! એય ને પછી તેનો ઉલટો સીધો જેવું મન થાય અથવા પોતાનો જે આઈડિયા હોય એ મુજબ કંઇપણ લખી દો ! ત્યારબાદ તેને પોતાના નામે છપાવી મારો ! તમારા દાવાને કોણ પડકારે ? પોતાનું સત્ય સ્થાપિત કરવા માટે તેની આ જ તકનીક હતી ! અમે તમને જણાવી દઈએ કે મેક્સમુલર યુવાનીમાં એક બહેતરીન જાતનો દગાખોર બનીને આગળ આવ્યો. હિતોપદેશનો અનુવાદ તેની દગાખોરી નિયત અને માયાવી ગૌરવપૂર્ણ પ્રસ્તુતિ ની શ્રેષ્ઠ ઉદાહરણ છે.

(પ્રોદોશ આઇચ કૃત Truths , પૃષ્ઠ નંબર 128 )

મેક્સમુલરનાં કારણે થયેલા વિનાશનો પરિચય

સૌથી પહેલી વાત એ કે આજે એ સાબિત થઈ ચૂક્યું છે કે આ ભુરો સંસ્કૃતનો સ પણ જાણતો નહોતો તો વિદ્વાન તો હતો જ નહીં. પણ એના અનુવાદના કારણે જે સ્થિતિ ઊભી થઈ અને પરિણામો આવ્યા તે એટલા ખતરનાક છે કે આજે તેની કલ્પના પણ ના કરી શકીએ ! એક સામન્ય વાત કરીએ તો આ જ મેક્સમુલરનાં કારણે બીજા વિશ્વ યુદ્ધમાં 60 લાખ યહૂદીઓનું લોહી રેડાયું ! જોકે એમાં મેક્સમુલર અને તેના અનુગામી તેના શિષ્યોને કરેલા કારસ્તાન જવાબદાર છે. કેમકે આ એક માયાવી , દગાખોર , સ્પોનસર્ડ, કપટ મુનિ , પાખંડી અને પ્રપંચી ભૂરાએ વિશ્વના મોટા મોટા ઇતિહાસકારોને  ગુમરાહ કર્યા અને અંધારામાં લાવી તેમની પાસે પણ આ વિનાશના કામ કરાવ્યા ! સૂચના અને પ્રસારણનાં બધા સંસાધન ત્યારે પણ ગુલામ માનસિકતાવાળા દગાખોરનાં હાથોમાં હતા અને આજેય છે! આથી જ આ જૂઠનો પ્રચાર આજેપણ ચાલી રહ્યો છે. ભારતના પણ અનેક વિદ્વાનો તેની વાતોમાં આવી ગયેલા છે. ડૉ. આંબેડકર,  લોકમાન્ય તિલક , રામધારી સિંહ દિનકર જેવા વિદ્વાનો પણ આર્યન સિદ્ધાંતને લઈ જે સિદ્ધાંત પર પહોંચ્યા હતા તે સમય અલગ હતો અને આજનો સમય અલગ છે! સંદર્ભ સ્ત્રોત અને ટેકનોલોજીએ આર્ય થિયરીની ક્યારની ચીરફાડ કરી તેને ખોટી સાબિત કરી દીધી છે પણ આજે પર્યંત આપણાં પાઠ્ય પુસ્તકો એ સંદર્ભ સ્ત્રોતનો ઉલ્લેખ સુદ્ધાં નથી કરતા ! ચાલો માની લઈએ કે એકેડેમીક લોકોની મજબૂરી હોય કે તેમની વ્યક્તિગત મજબૂરીના કારણે કે પછી કુંઠિત માનસિક ગુલામીના કારણે તેઓ એક શતાબ્દીથી ચાલ્યા આવતા જૂઠને આધાર બનાવી માયાજાળ માં ફસાયેલા રહ્યા ! પણ હવે તો જ્ઞાનનાં , સૂચનાનો આજના મહાસાગર
જે હવે સાર્વજનિક થઇ ગયો છે તેના પછી તો આ સ્થાપિત કરવામાં આવેલું જૂઠનું બનાવેલું સત્ય લાંબો સમય ટકવાનું નથી એ પાકું ! શુધ્ધ વિચાર અને આજના વાસ્તવમાં સંશોધન કરી બનેલા ઇતિહાસકારો દ્વારા એનું ખંડન થવાનું છે એ પણ પાકું ! થોડાં નામ જોઈ લઈએ નીરજ અત્રી , વેદવીર આર્ય ,  રાજીવ મલ્હોત્રા , અભિજિત ચાવડા , ડૉ પ્રોદોશ આઇચ ….આ નામ સામાન્ય ઇતિહાસકારો નથી ! વિશ્વ કક્ષાએ ખ્યાતિ પ્રાપ્ત વિદ્વાનો છે જેમણે સંશોધન કરી આ યુરોપીય હસ્તક્ષેપ અને ષડ્યંત્ર વિશે સત્ય ઉજાગર કરી રહ્યા છે.

છતાં હજી એક પ્રશ્ન બધાને જરૂર થાય કે જો મેક્સમુલરને સંસ્કૃત આવડતું જ નોહ્તું તો તેણે આટલા બધા સંસ્કૃતનાં અનુવાદ કઈ રીતે કર્યા ? આ એક ખોજ ને નવા સંશોધનનો વિષય છે. સંભાવના એ છે કે આ ગ્રંથોના પર્શિયન ભાષામાં થયેલા અનુવાદ ને તેણે અંગ્રેજીમાં અનુવાદ કર્યા હોય ! કેમકે પર્શિયન ભાષા તેને કદાચ આવડતી હતી ને તેની જોરદાર ટ્રિક જે પ્રોદોશ આઇચે કહી એ મુજબ એણે આ અનુવાદ કર્યા હોય ! બજારમાં મળતી કોઈપણ ભાષામાં મળતું તેને સમજમાં આવતું પુસ્તક લઈ ઉપલબ્ધ અનુવાદને જ આજની ભાષામાં તોડી મરોડી પોતાના નામે છપાવી દીધા ! ઇસ્ટ ઇન્ડીયા કંપની , મિશનરીઓ અને બ્રિટિશ અધિકારીઓના પ્રોપેગેન્ડાએ તેને સંસ્કૃતનો વિદ્વાન સાબિત કરી દીધો ! એક વાત છાપ પડી એ પડી ! આમેય કહેવાય છે ને કે ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ લાસ્ટ ઇમ્પ્રેશન ! એક વાર છપાઈ ગયું તો કોણ પૂછવાવાળું છે ?કેમકે જે પૂછી શકે એમ હતા ઈ બધા પોતે વુડ્સ ડીસ્પૈચ દ્વારા ઇસ્વીસન1854 માં મોકલવામાં આવેલી અંગ્રેજી શિક્ષા પદ્ધતિમાંથી નીકળેલા કોપીકેટ અંગ્રેજ ભારતીય હતા ! ઈ બધાને અંગ્રેજી આવડતી હતી પણ સંસ્કૃત નોહ્તું આવડતું ! સામે એવી જ તકલીફ હતી કે જેને સંસ્કૃત આવડતું હતું તેમને અંગ્રેજી નોહ્તું આવડતું ! આ સ્થિતિ આજે પણ છે ! જેમકે રોમિલા થાપર જેવા ઇતિહાસકારોએ જ્યારે રામમંદિરમાં પુરાતત્વીય પુરાવા અને સંસ્કૃત સાહિત્ય વિશે કેસ ચાલ્યો ત્યારે કબલ્યું કે તેમને નાં તો પુરાતત્વીય અવશેષોનું અધ્યયન કરતા આવડે છે કે નાં તો તેમને ભારતીય સંસ્કૃત ગ્રંથોની સમજ છે ! આજે પણ અંગ્રેજોની ઇની ઈ શિક્ષણ પદ્ધતિ ચાલી રહી છે ને કોલેજ પૂરી કર્યા બાદ પણ વિદ્યાર્થી ને પ્રશ્ન મુંઝવતો હોય છે કે હવે હું શું કરું ? તંબુરો તારો તો તું આજ દિ સુધી શીખ્યો શું ? હવે તો સમય એ છે કે જે જે ઇતિહાસકારોએ વિદેશીઓના ગ્રંથોનો આધાર લઈ ભારતનો ઇતિહાસ લખ્યો છે એ તમામની વિવેચના અને સમીક્ષા થવી જોઈએ. જોઈએ ક્યારે આ ભગીરથ કાર્ય છે . કેમકે આ કાર્ય પણ સ્વર્ગમાં રહેલી ગંગા ને ધરતી પર લાવવા જેવું કપરું કાર્ય છે. બસ કોઈ ભગીરથ જ આ ભગીરથ કાર્ય કરી શકશે એ નક્કી છે !

આ જ કારણ છે કે આવી સ્થિતિમાં પ્રશ્ન કોણ પૂછે કે પ્રો. મેક્સમુલરે કરેલા અનુવાદ સાચા કે ખોટા ? પણ આહી જે પ્રમાણ પ્રસ્તુત કર્યા છે એના આધારે એટલું તો પાકું છે કે મેક્સમુલર દ્વારા થયેલ કોઈપણ અનુવાદ વિશ્વસનીય તો છે જ નહિ ! ઇતિ !

સંદર્ભ સ્ત્રોત

બ્રેકિંગ ઇન્ડિયા – રાજીવ મલ્હોત્રા
Truths – પ્રોદોશ આઇચ
તથ્યોના આલોકમાં ડૉ આંબેડકર શૂદ્ર કૌન થે ? અવલોકન અને સમીક્ષા – ડૉ ત્રિભુવન સિંહ

ઉપરોક્ત કૃતિઓના આધારે આ લેખ ભાવાનુવાદ કરી પ્રકાશિત કરેલ છે !

Leave a Comment