શુદ્રક સંવત

શુદ્રક સંવત

નામ વાંચી ઘડીભર આંખો પહોળી થઈ ગઈ હોય તો ઇ જ આંખોને વધું ઝીણી કરી આ લેખ વાંચો અને પૂરો વાંચો ! કદાચ નવા અજ્ઞાનની ઉદાસીનતાના જ્ઞાનની મોજલી આવી જાય હોં! તો લો વાંચો તય! 

તો વાત છે ભારતમાં પ્રચલિત રહેલાં શુદ્રક સંવતની ! શું? ભારતમાં પ્રચલિત હતું તોય તમે નામય નથી સાંભળ્યું ! હાં ભાઈ એમાં કંઈ શરમાવાની જરૂર નથી આ લેખ લખવાની શરુઆત કરી ત્યારે અમેય નો’તું સાંભળ્યું ! પણ હવે તમને શુદ્રક સંવતની આખી કથા જાણવા મળશે ! તો ચાલો કથાની શરુઆત કરીએ ! અથ શ્રી પહેલો અધ્યાય શરૂ થાય છે ! તો કાન ખોલી સાંભળો !

વાત એમ છે કે આજે કોઈ માનવા તૈયાર પણ નાં થાય કે ભારતમાં એક સમયે શુદ્રક નામનું સંવત ચાલતું હતું ! પણ આ નગ્ન સત્ય છે , અને આ વાક્ય પણ પૂરા આધાર સાથે અમે કહી રહ્યા છીએ, સોરી લખી રહ્યા છીએ! તો આ રહ્યા આધાર …

સૌથી પહેલો આધાર એ કે ગુપ્ત વંશના આભૂષણ જેવા શ્રી વિક્રમાંક સમુદ્ર ગુપ્તે કૃષ્ણ ચરિત નામના ગ્રંથમાં આરંભમાં જ લખ્યું છે -वत्सरं स्वं शकान्  जित्वा प्रावर्तयत वैक्रमम् ।। १।। એટલે કે શક વિજય પછી શુદ્રકે પોતાનું સંવત શરૂ કર્યું ! આ એક માત્ર આધાર નથી હોં ! આખી લાઈન છે આધારોની ! એક પછી એક ને જાણી લઈએ ! નેપાળ દેશના વાસ્તવ્ય શ્રીમાન વિદ્વદ્વર રાજ્યગુરુ પંડિત હેમરાજ શર્મા પાસે એક સુમતિ તંત્ર નામનો ગ્રંથ હતો જે સંવત ૬૩૩ આસપાસ લખવામાં આવેલો ! તેની એક પ્રતિ આજે પણ એક સમયના લૂંટારૂ દેશ બ્રિટનમાં આજે પણ સંગ્રહાયેલી છે ! હવે નેપાળમાં જે પ્રતિ છે એમાં ૧૨મી સદીની લેખન શૈલી છે અને તેમાં લખેલું છે – યુધષ્ઠિર રાજ્યાબ્દ  ૨૦૦૦ વર્ષ , નંદ રાજ્યાબ્દ ૮૦૦ વર્ષ , ચંદ્ર ગુપ્ત રાજ્યાબ્દ ૧૩૨ વર્ષ, શુદ્રક દેવ રાજ્યાબ્દ ૨૪૭ વર્ષ અને શક રાજ્યાબ્દ ૪૬૮ વર્ષ !

युधिष्ठिरो महाराजो दुर्योधनस्तथाऽपि वा। उभौ राजी सहस्रे द्वे वर्षस्तु सम्प्रवर्त्तति ।।
नन्दराज्यं शताष्टं वाश्चन्द्रगुप्तास्ततो परम् । राज्यकरोति तेनापि द्वात्रिंशच्चाधिकं शतम् ।।
राजा शूवकदेवश्व वर्षसप्ताब्धि पाश्विनौ । शकराजा ततो पश्चाद्वसुरन्धकृतं तथा ।।

હવે આ સંસ્કૃત શ્લોક ધ્યાનથી વાંચો તો આ જ અર્થ નીકળે ! જોકે અમારી જેમ સંસ્કૃતમાં બહુ ચાંચ ડૂબતી નાં હોય તો આગળ વાંચો ! યલ્લાયાર્યનાં જ્યોતિષ દર્પણનાં કતિપયમાં શ્લોક પહેલાં પૃષ્ઠ નંબર ૧૧૦ પર ૭૧ માં શ્લોકનો ઉતરાર્ધ પહેલા લખવામાં આવે છે – बाणाधिगुणदत्रोना २३४५ शूद्रकाब्दाः कलेर्गताः । એટલે કે કલિ ૨૩૪૫ થી શુદ્રક સંવત ચાલ્યું ! આ પ્રમાણે ગણતરી કરીએ તો ૩૦૪૪-૨૩૪૫=૬૯૯ વર્ષ પહેલા શુદ્રક સંવત શરૂ થયું ! હવે આ પ્રથમ પ્રમાણમાં લોકો કૃષ્ણ ચરિત પર જ શંકા કરે છે! પણ જો તમે મૂળ પત્ર અને લેખ સમજો તો આમાં કોઈ શંકા જેવું નથી ! કેમકે આ લેખ અનુસાર શકોની પહેલા શુદ્રક દેવનું રાજ્ય હતું ! ત્રીજું પ્રમાણ અમે પહેલાં જ કહી દીધું છે ! જે હસ્તલિખિત સ્ત્રોતમાથી લેવામાં આવ્યું છે જે પંજાબ વિશ્વ વિદ્યાલય લાહોરના પુસ્તકાલયમાં આજે પણ સુરક્ષિત છે ! હવે આ ત્રણેય પ્રમાણ સાબિત કરે છે કે એક સમયે ભારતમાં શુદ્રક સંવત હતું જ ! ભારતનાં કોઈ ભૂમિ ભાગમાં ક્યારેક શુદ્રક સંવત ચાલતું હતું ! પુરાતત્વ વિભાગના વિદ્વાનોએ હજુ સુધી આ નામથી અંકિત કોઈ સંશોધનનાં શ્રીગણેશ પણ નથી કર્યા ! જોકે હજી અવશેષ નથી મળ્યા એનો અર્થ એવો નથી કે આ શુદ્રક સંવત નહોતું જ ! કેમકે શુદ્રકનું એક નામ શ્રીહર્ષ હતું ! આ વાત પછી તો હર્ષ સંવત ની માહિતી ખૂબ જ ઉપયોગી બની જાય છે. 

હર્ષ સંવત – અલબેરૂની લખે છે કે હિંદુ વિશ્વાસ રાખે છે કે ભૂમિમાં રહેલા ગુપ્ત ખજાના શોધવા માટે શ્રીહર્ષ પ્રયાસો કરતા હતાં. તેમણે વાસ્તવમાં કેટલાક ખજાના મેળવ્યા પણ હતાં. આથી જ તેમણે પ્રજા પર કરનો બોજો નાખ્યા
વિના લોક કલ્યાણનાં કાર્ય કર્યા. તેનું સંવત મથુરા અને કનૌજ વિસ્તારમાં પ્રચલનમાં હતું ! શ્રી હર્ષ અને વિક્રમાદિત્ય વચ્ચે ૪૦૦ વર્ષ નો તફાવત છે એવું આ વિસ્તારના લોકો માને છે. આઇને અકબરીમાં પણ સંવત પ્રવર્તક વિક્રમ અને આદિત્ય પોંવાર ( વિક્રમાદિત્ય શુદ્રક ) વચ્ચે ૪૨૨ વર્ષનો તફાવત માન્યો છે.

શુદ્રક કાળ વિષયક પ્રાચીન વંશાવળીઓ

કર્નલ વિલ્ફરડ પ્રાચીન વંશાવળીઓનાં આધાર પર લખે છે કે From the first of Aditya era to the first of Sudraka, there are 347 years. From the first year of Sudraka to the first year of Vikrmaditya……. there are 343 years and only fifteen kings to fill up that space.
હવે આ ભુરીયા પાસે એ જ વંશાવળી હતી જે આઇને અકબરીનાં લેખક અબ્બુ ફઝલ પાસે હતી. આથી આ ૪૨૨ , ૩૪૭ અને ૩૪૩ વર્ષનું અંતર વિચારવા જેવું છે !

વિક્રમાબ્દનાં આરંભમાં કલિ સંવતના ૩૦૪૪ વર્ષ વિતી ગયેલા હતાં. આથી જો અલબેરૂની સાચું લખી ગયો છે તો કલિ ૨૬૪૪ માં શ્રી હર્ષ સંવત હોવું જોઇએ. પરીક્ષિતથી લઈ આંધ્ર અથવા સાત વાહનના આરંભ સુધી ૨૪૦૦ વર્ષ વિતી ગયેલા હોવા જોઈએ. આથી સાત વાહનોની વચ્ચે શ્રી હર્ષ સંવત શરૂ થયું હોવું જોઇએ. આપણે જાણીએ છીએ કે સાત વાહનના વંશમાં મધ્ય ભાગમાં મહા પ્રતાપી રાજા શુદ્રક વિક્રમ થયો હતો !  આથી શ્રી હર્ષ અને શુદ્રક સંવત બન્ને એક જ હોય એવી સંભાવના વધુ છે ! પહેલાં આપણે જેની વાત કરી એ યલ્લાયાર્યનાં જ્યોતિષ દર્પણ પરથી સાબિત થાય છે કે વિક્રમાબ્દ અને શુદ્રકાબ્દ વચ્ચે ૬૯૯ વર્ષનું અંતર હતું ! હવે આ જ ગ્રંથના ૬૪માં શ્લોકમાં આ અંતર વધુ સ્પષ્ટ રીતે કહ્યું છે. આથી આ શ્લોકના અર્થમાં કંઇક લોચો થઈ ગયો હોય એમ લાગે છે. પણ જો શ્લોક ૭૧ માં આપણે ગુણ નો અર્થ ૩ નાં બદલે ૬ કરીએ તો આખો શ્લોક સાચો બને છે. આ મુજબ તો કલિ સંવત ૨૬૪૫ માં શુદ્રક સંવત શરૂ થાય છે ! જોકે હજી વધુ પ્રમાણ ભૂત સામગ્રી મળે તો આ વિશે વધુ અને ચોક્કસ વાત કરી શકીએ ! જોકે એમાંય અલ્બેરુની નો લેખ પાછો સો આની સાચો હોવો ખૂબ જ જરૂરી છે.
આજનાં ઇતિહાસકારોનો પક્ષપાત !

આજનાં ઇતિહાસકારો તો શુદ્રક સંવત જે માનતા જ નથી ! એટલું જ નહીં શુદ્રક વિષયક આ ઐતિહાસિક સત્યનો નાશ કરવા મહાન પ્રયાસો કર્યા છે. ભારત વર્ષમાં પશ્ચિમ પદ્ધતિ પર લખેલાં કોઈપણ ઇતિહાસમાં શુદ્રકનું નામ પણ નથી આવતું , ઇતિહાસ તો ખૂબ દૂરની વાત છે. જેના પર શુદ્રકે મૃચ્છકટીકમ નામનું સુદંર પ્રકરણ લખ્યું એ રાજા મોટો વિદ્વાન ને તેજસ્વી સમ્રાટ હતો અને તેનું સંવત પણ ખૂબ જ પ્રસિદ્ધ હતું તેને કલ્પના કહી દેવું વર્તમાન વિદ્વાનોનું જ કામ છે ! શું આજ આજની વિદ્વતા છે ? શ્રી હર્ષ વિક્રમ માળવા , કનૌજ અને કશ્મીર સુધીના પ્રદેશો પર રાજ કરતો હતો ! ૪૦૦ વર્ષ બાદ માળવામાં બીજું વિક્રમ સંવત વધુ ચાલ્યું પણ મથુરા અને કનૌજ માં ક્યાંક ક્યાંક આ જ હર્ષ સંવત પ્રચલિત રહ્યું !
આથી અલ્બેરુનીએ એના વિશે લખ્યું !

કૃત સંવત

કૃત સંવત પ્રાચીન માલવ ગણ નું સંવત છે ! મંદસોરનાં નરવર્માનાં એક શિલાલેખમાં લખ્યું છે -श्रीमलवगणाम्नाते प्रशस्ते कृतसंज्ञिते । एकषष्ठ्यचधिके प्राप्ते समा क्षतचतुष्टये ।।

એટલે કે માલવ ગણ માં કૃત નામનું સંવત હતું ! તેના ૪૬૧માં વર્ષે ફ્લીઇ , કિલહાર્ન અને સ્મિથ અને રૈપસન અને જયસ્વાલ જેવા આધુનિક ઇતિહાસકારો આ પ્રાચીન પ્રચલિત સંવતને માલવ સંવત કે કૃત સંવત માને છે. આ મત સર્વથા કલ્પિત અને નિરાધાર છે ! કેમકે આની જૂઠી વાતો કોઈ પુસ્તક નહી પણ વત્સ ભટ્ટી કૃત શિલાલેખ દ્વારા સાબિત થાય છે ! જેમાં લખ્યું છે –
मालवानां गणस्थित्या याते शतचतुष्टये । त्रिनवत्यधिकेऽब्दानाम् ऋतौ सेव्यधनस्वने ।।
सहस्यमास शुक्लस्य प्रशस्तेऽहनि त्रयोदशे । मंगलाचारविधिना प्रासादोऽयं निवेशितः ।।
बहुना समतीतेन कालेनान्यैश्व पार्थिवः । व्यशीर्यतैकदेशोस्य भवनस्य ततोधुना ।।
वत्सरशतेषु पञ्चसु विंशत्यधिकेषु नवसु चाब्देषु ।
यातेषु-अभिरम्य तपस्य-मासशुक्ल-द्वितीयायाम् ।।

એટલે કે માલવ સંવત ૪૬૩નાં પોષ મહિનામાં આ પ્રાસાદ બન્યું ! ત્યારે કુમાર ગુપ્તનાં સમકાલીન દશપુરનાં શાસક વિશ્વ વર્મનનો પુત્ર બંધુવર્મન દશપુર પર શાસન કરતો હતો ! ઘણા સમય બાદ પણ અનેક રાજાઓ થયા બાદ આ પ્રાસાદનો એક ભાગ ખંડિત થયો જે ૫૨૯ વર્ષ બાદ તેનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો !

હવે ફ્લીટ વગેરે લેખક માલવ કૃત સંવતને વિક્રમ સંવત માનીને સંવત ૪૯૩માં તેનું નિર્માણ થયું ને સંવત ૫૨૯ માં તેનો જીર્ણદ્ધાર થયો એમ બકી દે તો શું માત્ર ૩૬ વર્ષમાં અનેક રાજાઓ થઈ ગયા હોય ? આ અનેક રાજાઓનો સમયગાળો કેવી રીતે કહી શકાય ? ના આવી સ્થિતિ ક્યારેય નાં હોઈ શકે ! ફરી જો માલવ કૃત સંવતને  વિક્રમ સંવત માની લઈ ૪૬૩ સાથે ૫૨૬ નો યોગ કરી લઈએ તો પણ સંવત ૧૦૨૨ માં આ ભવનનો જીર્ણોધ્ધાર કરવો પડે ભાઈ ! સંવત ૧૦૨૨માં આ શિલાલેખની  લિપિ અપ્રચલિત થઈ ગઈ એને બહુ સમય થઈ ગયો હતો ! આથી મૂળ વાત એ છે કે કૃત સંવત જ વાસ્તવમાં શુદ્રક સંવત હતું ! આ સંવત વિક્રમ સંવતથી ૪૦૦ વર્ષ પહેલા ચલણમાં હતું ! આ મુજબ આ ભવનનું નિર્માણ વિક્રમ સંવત ૬૩ માં થયું હતું ! વિક્રમ સંવતનો પ્રારંભ કરનાર રાજા ચંદ્રગુપ્ત વિક્રમાંક અથવા રાજા સમુદ્ર ગુપ્ત હતા ! તેના ૬૩ વર્ષ બાદ કુમાર ગુપ્ત નાં સમકાલીન બંધુવર્મનના પુત્ર રાજ્ય કરી રહ્યા હતા ! કુમાર ગુપ્તનું રાજ્ય એના લગભગ ૨૦ વર્ષ પહેલા હતું ! અર્થાત્ વિક્રમ સંવત ૭૩માં ! તેના પણ ૫૨૬ વીતી ગયા બાદ એટલે કે ૫૨૬-૬૩ સંવત ૬૨૨માં આ ભવનનો જીર્ણોદ્ધાર થયો ! આ સંગતિ વિના આ શિલાલેખનો બીજો કોઈ અર્થ સંભવ નથી ! આજ સુધી કોઈ માટીના લાલે તેનો અર્થ નથી કર્યો ! અપવાદ રૂપ ધ્યપક ધીરેન્દ્ર મુખોપાધ્યાય દ્વારા તેનો અર્થ થયો પણ તેમણે શુદ્રક જ કૃત સંવત અર્થાત્ શુદ્રક સંવતનો કર્તા હતો એ લખ્યું જ નહીં !


શુદ્રક સંવત કૃત સંવત શા માટે કહેવાયું ?

સીધી વાત છે કે આટલું વધુ નામ ફરક કેમ ? તો એની શરુઆત મહારાજ સમુદ્ર ગુપ્તથી કરીએ – મહારાજ સમુદ્ર ગુપ્તે લખ્યું છે કે –
पुरन्दरबलो विप्रः शूदकः शास्त्रशस्त्रवित् । धनुर्वेदं चौरशास्त्रं रुपके द्वे तथाकरोत् ।। ६ ।।
स विपक्षविजेताऽमूच्छास्त्रैः शस्त्रेश्य कीर्तये । बुद्धिवीर्ये नास्य परे सौगताश्व प्रसेहिरे ।। ७ ।।
स तस्तारारिसैन्यस्य देहखण्डै रणे महीम् । धर्माय राज्यं कृतवान् वत्रतमाचरन् ॥ ८ ॥
शस्त्रैर्जितमयं राज्यं प्रेग्णाकृतनिजं गृहम । एवं ततस्तस्य तदा साम्राज्यं धर्मशासितम् ।।६।।

હવે આમાં થોડું ધ્યાન આપો તો આમાં આઠમા અને નવમા શ્લોકમાં લખ્યું છે કે શુદ્રક વિક્રમાદિત્ય ધર્મ રાજ્ય હતું ! અથવા તેમના સામ્રાજ્યમાં ધર્મનું શાસન હતું ! આ ધર્મ શાસનને કારણે શુદ્રકનો સંવત વિક્રમ સંવત કૃત સંવત કહેવાયું !  શક ૧૦૪૨ નાં એક શિલાલેખમાં શિલાહર ગંડરાદિત્યદેવને કળિયુગ વિક્રમાદિત્ય લખ્યા છે ! આ પરથી લાગે છે કે કોઈ કૃત વિક્રમાદિત્ય પણ હતા ! તેમણે જ શકનો નાશ કરી ધર્મનું રાજ્ય સ્થાપિત કર્યું !

શુદ્રકનું વૃતાંત ધર્મ પ્રધાન હતું તેનો ઉલ્લેખ હેમચંદ્ર પણ કરે છે -एक
धर्मादिपुरुवार्थमुद्दिश्य प्रकारवैचित्र्येण अनन्तवृत्तान्तवर्णनप्रधाना शूद्रकादिवत् परिकथा ।’

જોકે વિક્રમ સંવતના કોઈપણ શિલાલેખ કે તામ્રપત્રમાં તેને કૃત સંવત નથી કહેવાયું ! કૃત સંવત આજના વિક્રમ સંવતની બિલકુલ અલગ હતું ! કષ્ટ પ્રદ અને અધર્મયુક્ત રાજ્ય બાદ જ્યારે ધર્મ પ્રવૃત્ત થાય છે ત્યારે તેને કૃતયુગ કહેવામાં આવે છે. પરશુરામ દ્વારા ક્ષત્રિય નાશ પછી જ્યારે ફરી એક વાર ક્ષાત્ર તેજ ઉદિત થયું તો મહાભારતનાં આદિ પર્વ ૫૮/૨૪ અનુસાર કૃતયુગ વર્તમાન થઈ ગયો !
આ પ્રમાણે શુદ્રક રાજ્ય કૃત યુગનું પ્રતીક હતું ! અને અનુમાન છે કે આથી જ તેનું સંવત કૃત સંવત કહેવાયું !

Leave a Comment